રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરીકોમાં અંગદાન અંગે જન જાગૃતિ આવે અને અંગદાન કરવાનો સંકલ્પ લે તે માટે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની વેબસાઈટમાં રજીસ્ટ્રેશન કરવા આયુષ્માન ભવ અંતર્ગત અંગદાન સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું.ચાર દિવસમાં 700 જેટલા લોકોએ અંગદાન અંગે સંકલ્પ લઈ ઉમદા કાર્ય કરેલ છે.
કોર્પોરેશન દ્વારા યોજાયો અંગદાન સંકલ્પ:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયા અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિડીયોથી સંદેશ પાઠવ્યો
આ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિડીયો સંદેશમાં જણાવ્યું હતું કે ભા દ્વોપદી મુર્મુજી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ‘આયુષ્યમાન ભવ:’ અભિયાનનો તાજેતરમાં શુભારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે માનવ સેવાના હિતમાં અંગદાન સંકલ્પનો ઉમદા કાર્યક્રમ યોજાયો છે. તે અભિનંદનને પાત્ર છે. આ અભિયાન હેઠળ માનવજીવનને બચાવવા માટે અંગદાનનો સંકલ્પ ખરેખર ઉમદા છે. અંગદાન સંકલ્પ અભિયાનમાં આરોગ્ય તંત્ર અને પ્રાઈવેટ તંત્ર સતત પ્રયત્નશીલ છે. ગત સાલ 2022 માં કુલ 873 લોકોએ ઓર્ગન ડોનેટ કર્યા હતા. અને અંગદાનનો સંકલ્પ કરનારા લોકોની સંખ્યા 9000 છે. માનવા સેવાના લક્ષ્ય સાથેના આ અભિયાનમાં વધુ ને વધુ લોકોનો પ્રતિસાદ મળશે તેવી આશા છે.
આ પ્રસંગે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ તેમના વિડીયો સંદેશમાં ‘અંગદાન’ને ‘મહાદાન’ ગણાવતા કહ્યું છે કે, મૃત્યુ પછી શરીર પંચમહાભૂતમાં વિલીન થઇ જાય છે પણ અંગદાન સદગત વ્યક્તિના ઓર્ગનની સહાયતથી ઘણા લોકોને નવ જીવન મળે છે. આંખના દાનથી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સૃષ્ટિને ફરીથી દેખાતા થઇ જાય છે. હૃદયના દાનથી અન્ય વ્યક્તિનું આયુષ્ય વધી જાય છે. તાજેતરમાં જ 23 વર્ષના યુવકના મૃત્યુ બાદ હૃદયનું દાન કરાયું હતુ. માતાપિતા પોતાના મૃત દીકરાના હૃદયના ધબકારા અન્ય વ્યક્તિના શરીરમાં સાંભળી પોતાનો પુત્ર હયાત જ છે તેવી અનુભૂતિ કરી રહ્યા છે. અંગદાનથી અસંખ્ય જરૂરિયાતમંદ લોકોના જીવન બચાવી શકાય છે.
ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે પોતાના વિડીયો સંદેશમાં એમ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાએ અંગદાન સંકલ્પ કાર્યક્રમ થકી માનવ સેવાના ક્ષેત્રમાં ખુબ ઉમદા કાર્ય હાથ ધર્યું છે. અંગદાન એ તો મૃત્યુ પામેલા વ્યક્તિને ફરી જીવિત કરતું કાર્ય છે. સરકારની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવી અંગદાનનો સંકલ્પ કરી શકાય છે. રાજકોટના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડની જહેમતથી યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકોટ-સૌરાષ્ટ્રના વધુને વધુ લોકો સંકલ્પ કરે તેવી આશા અને અપીલ છે. માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાથ ધરેલી આ પહેલને હવે માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે.
આ અવસરે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે પ કહ્યું હતું કે, અંગદાન સંકલ્પ કાર્યક્રમ થકી લોકોમાં માનવજીવણ બચાવવાનું સર્વોતમ કાર્ય હાથ ધરાયું છે. ગાંધી બાપુને ખુબ જ પ્રિય એવું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે…. પર દુ:ખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આવે રે…. ઘણો મોટો સંદેશ આપી જાય છે. બીજાની પીડા સમજી તેને ઉપયોગી થવું એનાથી મોટું કાર્ય ક્યુ હોય? મૃત્યુ પામ્યા પછી પણ અંગદાનથી બીજાને જીવન આપવું એ કાર્ય સૌથી શ્રેષ્ઠતમ ગણાય. મૃત્યુ પામનાર વ્યક્તિ તેની આંખો કોઈને આપે છે તો ફરી દુનિયા દેખતા થવાય છે.
ઉદયભાઈ કાનગડએ વધુમાં કહ્યું હતું કે, રાજકોટમાં 106 અંગદાન થતા 106 જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. અંગદાન જેવું સર્વોતમ કાર્ય કરનાર વ્યક્તિ માટે ભગવાનના ધામના દ્વાર ખુલ્લા જ હોય. જીવમાં શિવના દર્શન કરી જીવને બચાવવાના કાર્યમાં જોડાયેલી સંસ્થાનો આભાર વ્યક્ત કરું છું. અંગદાન કર્યું તેના પરિવારના જે આશીર્વાદ મળે છે તે ચારધામ યાત્રાથી પણ વધુ મૂલ્યવાન હોય છે. માન.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની સરકાર આરોગ્ય ક્ષેત્રે ખુબ જ સારી કામગીરી કરી રહી છે જેના પરિણામે જરૂરીયાતમંદ ગરીબ અને મધ્યમવર્ગને ખુબ મોતી રાહત મળી રહી છે.
શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ કહ્યું હતું કે, યુવાનીમાં રક્તદાન અને મૃત્યુબાદ અંગદાન શ્રેષ્ઠ દાન છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 106 વ્યક્તિઓએ અંગદાન કરાવ્યું છે. આપણા રાજકોટના જ ભાવનાબેન મંડલીની દીકરીનું અવસાન થતા તેના ઓર્ગન ડોનેટ કર્યું તેમની દીકરીના અવસાનબાદ જીવિત રાખી. લોકોમાં અંગદાન અંગે જાગૃતતા આવે તેના માટે ભાવનાબેન અને તેમની સમગ્ર ટીમ મહેનત કરે છે. લોકોમાં વધુમાં વધુ અંગદાન પ્રત્યે જાગૃતતા આવે અને વધુમાં વધુ લોકો અંગદાન કરે તેવી નમ્ર અપીલ કરેલ હતી.
આ પ્રસંગે સિનર્જી હોસ્પિટલના ડો,જયેશભાઈ ડોબરીયાએ અંગદાન અંગે વક્તવ્ય કરતા જણાવ્યું હતું કે, 1973 થી અંગદાન પ્રક્રિયા ચાલી આવે છે. અત્યાર સુધીમાં દર વર્ષે 1000 ની આસપાસ ઓર્ગન ડોનેટ થાય છે. આવનારા સમયમાં હજુ વધુ ઓર્ગન ડોનેટ થાય તેવા અમારા પ્રત્યન છે. લોકોએ અંગદાન શા માટે કરવું જોઈએ? કારણ કે, અંગનું ઉત્પાદન થતું નથી તેના માટે અંગદાન કરવું પડે છે. અંગદાન કોણ કરી શકે? અંગદાન કરવા માટે કોઈ ઉંમર મહત્વની નથી. અંગદાન કોઇપણ વ્યક્તિ કરી શકે છે. સરકારના કાયદા મુજબ અંગની લે-વેચ કરી શકાતી નથી. કોઇપણ વ્યક્તિ બ્રેઈનડેડ જાહેર થયા બાદ 24 કલાકની અંદર અંગદાન કરવાનું થાય છે. અંગદાન બે રીતે કરી શકાય છે જીવિત વ્યક્તિ મારફત અને મૃત્યુ પામેલ વ્યક્તિ મારફત. આમ, અંગદાનના મહત્વ વિશે જાણકારી પુરી પાડેલ.
મંચ પર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ. સ્ટેન્ડિંગ કમિટીન ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ. આરોગ્ય ચેરમેન કેતન પટેલ તથા વાઈસ ચેરમેન ડો.દર્શના પંડ્યા દ્વારા મંચ પર ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક વડે સ્વાગત કરેલ. ત્યારબાદ ઓર્ગન ડોનેટ ફાઉન્ડેશન અને સિલ્વર એસો. દ્વારા ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરનું સ્વાગત સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને નાગરિકોએ અંગદાન સંકલ્પ લીધેલ હતા. આ કાર્યક્રમમાં અંગદાન કરનારના પરિવારજનોનું અને અંગદાન સંકલ્પ કરનારના પરિવારજનોનું તથા અંગદાન સંકલ્પ કરનાર યુવાનોનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવેલ. આરોગ્ય સમિતિ ચેરમેન કેતન પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.