- દિવ્યાંગોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનાવશે ‘ SAKSHAM”‘ એપ્લિકેશન
- જેના મારફત મતદારોને મળશે મતદાર નોંધણી, મતદાન મથક શોધ, આગોતરા વ્હીલચેરના રજિસ્ટ્રેશન સહિતની સુવિધાઓ મળશે
ભારતનું ચૂંટણી પંચ દિવ્યાંગ લોકોને સુઆયોજિત સેવાઓ પ્રદાન કરીને મતદાર ઓળખ અને નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધતાપૂર્વક કામ કરી રહ્યું છે. ચૂંટણી પંચની નવી પહેલ અંતર્ગત દિવ્યાંગોને ચૂંટણીલક્ષી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે “SAKSHAM”” એપ્લિકેશન બનાવવામાં આવી છે. દિવ્યાંગોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનાવવા માટે “SAKSHAM”” એપ એક મૂલ્યવાન સાધન છે. એપ્લિકેશન ઉપયોગમાં સરળ અને સંખ્યાબંધ સુવિધાઓ પ્રદાન કરે છે. “SAKSHAM” એપ દિવ્યાંગોને મતદાન માટે નોંધણી કરાવવાનું, તેમનું મતદાન મથક શોધવાનું અને તેમનો મત આપવાનું સરળ બનાવવામાં મદદરૂપ થાય છે.
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ મતદારોને તેમની મતદાનની પવિત્ર ફરજ અદા કરવા મતદારો માટે વિવિધ આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજકોટ જિલ્લામાં 9601- પુરુષ અને 5349- સ્ત્રી એમ કુલ 14,950 દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. આ એપ્લિકેશનમાં પ્રથમ વખત મતદાન કરનાર દિવ્યાંગએ તેમના રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર સાથે તેમનું નામ, સરનામું અને મોબાઈલ નંબર ફીડ કરવાનો રહેશે. જ્યારે નોંધાયેલા મતદારોએ તેમનો ઊઙઈંઈ નંબર એપ્લિકેશનમાં નોંધાવવાનો રહેશે.
નોંધણી બાદ બૂથ-સ્તરનો અધિકારી અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે ઘરે તેમની મુલાકાત લેશે. તે પછી, મતદાર આઈ.ડી. કાર્ડ તેમના સરનામાં પર મોકલવામાં આવશે, એટલું જ નહીં આ એપ દ્વારા દિવ્યાંગોને મતદાનના દિવસે વ્હીલચેર માટે આગોતરા નોંધણીની સુવિધા પણ આપવામાં આવી છે. સક્ષમ એપ દૃષ્ટિની ક્ષતિ ધરાવતા દિવ્યાંગો માટે અવાજ સહાય, સાંભળવાની ક્ષતિ ધરાવતા દિવ્યાંગોને ટેક્સ્ટ-ટુ-સ્પીચની સુવિધા, મતદાન મથકોની માહિતી ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થાય છે. આ એપમાં મતદાન મથક પર ઉપલબ્ધ સુવિધાઓ અને મતદાન અધિકારીઓની સંપર્ક વિગતો આપવામાં આવે છે. સાથે જ એપ પર ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેતી વખતે દિવ્યાંગોને આવતી કોઈપણ સમસ્યા અંગે ફરિયાદ નોંધાવી શકાય છે.
જિલ્લામાં દિવ્યાંગો સંચાલિત 8 મતદાન મથકો હશે
દિવ્યાંગ મતદારો માટે રાજકોટ ખાતે ખાસ 8 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો પણ બનાવવામાં આવશે. દિવ્યાંગ મતદારો મતદાન મથકે સ્વયંસેવકોની સુવિધા સહિત ’SAKSHAM’ ના માધ્યમથી એડવાન્સમાં વ્હીલચેરની જરૂરિયાત પણ રજિસ્ટર કરાવી શકશે. વધુમાં આ મતદાન મથકો ઉપર દિવ્યાંગ સરકારી કર્મચારીઓ ફરજ બજાવવાના છે.
40 ટકાથી વધુ દિવ્યંગતા ધરાવતા મતદારો ઘર બેઠા મતદાન કરી શકશે
40 ટકા બેન્ચમાર્ક કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારોની મતદાન મથક પર જવા સુધીની મુશ્કેલી નિવારવા ચૂંટણી તંત્ર દ્વારા હોમ વોટિંગની પસંદગી આપવામાં આવશે. બુથ લેવલ ઑફિસર દ્વારા ઈચ્છુક દિવ્યાંગ મતદાર પાસેથી ફોર્મ નં.12 અને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર લઈ નિયત સમયે આગોતરી જાણ કરીને મતપત્ર દ્વારા પૂરતી ગોપનીયતા સાથે મતદાનની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવશે. વધુમાં દિવ્યાંગો વધુમાં વધુ મતદાન કરે તે માટે સેવાકીય સંસ્થાઓ પણ તંત્રને મદદરૂપ થવાની છે.