કિર્તીદાન દ્વારા કોરોનાની હુંડી અને સાંઈરામ દવે દ્વારા તૈયાર થયેલા રેપ સોંગને બહોળી લોકચાહના મળી
આખા વિશ્ર્વમાં કોરોનાનો કહેર બરકરાર છે. કોરોનાથી થતા મોતના કારણે લોકોમાં ભારે ફફડાટનો માહોલ જોવા મળે છે. આવા સંજોગોમાં લોકોને જાગૃત કરવા માટે સરકાર દ્વારા જનજાગૃતિ સહિતના પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે સુપર સ્ટાર અને લોકોના આઈડોલ સમાન સાંઈરામ દવે અને કિર્તીદાન ગઢવી જેવા કલાકારો પોતાની જવાબદારી સમજી લોકજાગૃતિ માટે આગળ આવ્યા છે.
કીર્તિદાનને કોરોનાની હુંડીનું નિર્માણ કર્યું છે. જ્યારે સાહિત્યકાર સાંઈરામ દવેનું ગીત પણ ધુમ મચાવી રહ્યું છે.
આ વેપ સોંગ અંગે માહિતી આપતા સાંઈરામ દવેએ કહ્યું કે, આખી દુનિયા કોરોનાના ડરથી ડરી ગઈ છે ત્યારે લોકજાગૃતિ લાવવી જરૂરી છે. જે વાત સમજીને અમે ૨૪ કલાકમાં હુંડી લખી હતી. આ હુંડી ૫૦ લાખ લોકો સુધી પહોંચી ગઈ છે.
આ ગીત બનાવ્યા બાદ અમે આજે રેપ સોંગ પણ બનાવ્યું છે અને મારી ચેનલ પર રીલીઝ પણ કરવામાં આવ્યું છે. લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમે જવાબદારી નિભાવી તેનો સંતોષ છે.
તેમણે વધુમાં કહ્યું કે, આપણા કાઠીયાવાડીમાં કહેવત છે ને કે અમે થોડાકને કાંઈ ફાટી પડીએ આ લાઈનને ધ્યાનમાં રાખી અમે ગીત બનાવ્યું છે. લોકોને અપીલ છે કે આ રોગ વધુ વકરે નહીં તે માટે સૌએ જવાબદારી નિભાવવી જોઈએ હાથ મ્હો ધોવા જોઈએ. આ રોગ ચાઈનાનો છે એટલે એમ સમજોને કે વધુ ટકશે નહીં પરંતુ કાળજી રાખવી ખુબજ જરૂરી બાબત છે.
કોરોનાની હુંડી અંગે જાણકારી આપતા લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવી કહ્યું હતું કે, મને હુંડી રચવાની સલાહ સુરેન્દ્રનગર કલેકટર દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ મેં અને સાંઈરામ દવેએ સાથે મળી આ હુંડીનું નિર્માણ કર્યું હતું. મેડિકલ ક્ષેત્રે મોટીવેશન માટે અમે આ ગીતનું નિર્માણ કર્યું હતું. આ મુદ્દે સાંઈરામ દવે,એ એમ કહ્યું હતું કે, ડોકટર જયેશ પરમારે આપેલા સુચનોને અમે ગીતમાં વણી લીધા છે. લોકોને કોરોના વાયરસ અંગે જાગૃતિ લાવવા અંગે અમે આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ પ્રયોગને લાખોની સંખ્યામાં લોકો પસંદ કરી રહ્યાં છે. કિર્તીદાનની કોરોના હુંડી તેમની યુ-ટયુબ ચેનલ પર પ્રસારીત કરવામાં આવી છે.