રિસામણે ગયેલી પત્નીના ગળા પર છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી પતિ પોલીસમાં હાજર થયો
લીંબડી તાલુકાના કટારીયાની દિકરી અને સાયલાના મોટા ભડલા ગામની પરિણીત જયોત્સનાબેન ઘર કંકાસથી કંટાળી પિયરમાં રિસામણે આવી હતી. ત્યારે તેના પતિએ કટારીયા ગામે આવી પત્નીને ગળામાં છરીના ઘા મારી હત્યા કરતા ચકચાર ફેલાઈ હતી. હત્યા કર્યા બાદ પતિ સાયલા પોલીસ મથકે હાજર થઈ ગયો હતો.
લીંબડી તાલુકાના કટારીયા ગામના કિશનભાઈ હલુભાઈ બુટીયાની દીકરી જયોત્સનાબેનના લગ્ન સાયલા તાલુકાના મોટા ભડલા ગામે અઢી વર્ષ પહેલા સતિષ ગોપાલભાઈ ભોજીયા સાથે થયા હતા. બંને પતિ-પત્નિ વચ્ચે લગ્ન જીવનમાં અંદાજે એક દોઢ વર્ષની દિકરી હતી. પરંતુ ઘર કંકાસ વધતા છેલ્લા ત્રણ માસથી જયોત્સનાબેન પિતાના ઘરે કટારીયા ગામે પિયરમાં રહેવા આવી ગયા હતા. તા.૨ જાન્યુઆરીએ બપોરના સમયે ઘરે કોઈ હાજર ન હતું ત્યારે જયોત્સનાબેનનો પતિ સતિષભાઈ ભોજીયા કટારીયા ગામે આવ્યો હતો. કંકાસથી કંટાળી કટારીયા રિસામણે હતી.
દંપતિ વચ્ચે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા સતિષે જયોત્સનાબેનના ગળામાં છરીના ઘા ઝીંકી હત્યા કરી સતિષ ત્યાંથી નાસી સાયલા પોલીસ મથકે હાજર થઈ પત્નિની હત્યા કર્યાનું જણાવ્યું હતું. આ બનાવને પગલે પોલીસ મથકના પી.એસ.આઈ. એમ.બી.જાડેજા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.