સ્ટેટ મોનીટરીંગ સેલની રડારમાં સૌરાષ્ટ્રના બુટલેગરો
ટ્રક, 8388 બોટલ શરાબ, મોબાઈલ મળી રૂ. 39.83 લાખનો મુદામાલ કબ્જે
ગાંધીધામ પહોચે તે પૂર્વે એસ.એમ.સી. એ દરોડો પાડી મુળ સુધી પહોચવા ધમધમાટ આદર્યો
રાજયમાં દારૂબંધીનો કડક અમલ કરવા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બુટલેગરો પર ઝાળ બીછાવી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાપાયે વિદેશી દારૂ ઘુસાડવાની મેલી મુરાદ પર એસ.એમ.સી.એ પાણી ફેરવ્યું છે. પરંતુ દારૂના ધંધાર્થીઓ પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી ખાકીને પડકાર આપી રહ્યા છે. જયારે પકડાય દારૂ તેનાથી વધુ પીવાય છે. તો તે દારૂ કયાંથી ઘુસાડવામાં આવે છે. તે પ્રશ્ર્ન ઉદભવે છે.
રાજકોટ-લીંબડી ધોરી માર્ગ પર સાયલા નજીક બંસી હોટલ એન્ડ ગેસ્ટ હાઉસના પાર્કિંગમાં ટ્રકમાંથી રૂ. 31.75 લાખની કિમંતનો 8388 બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાની ટ્રક ચાલકને એસ.એમ.સી. એ ઝડપી લીધો છે. દારૂ અને ટ્રક મળી રૂ. 39.83 લાખના મુદામાલ કબ્જે કરી ગાંધીધામના બુટલેગર સહિત ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
વધુ વિગત મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાપાયે વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલના નિલિપ્ત રાયના ધ્યાને આવતા કડક હાથે કામગીરી કરવા ડીવાયએસપી કે.ટી. કામરીયાને આપેલી સુચનાને પગલે સૌરાષ્ટ્ર પ્રવેશ દ્વાર એલ.એમ.સી. એ ધામા નાખ્યા છે. જેમાં એક સપ્તાહ પૂર્વે રાજકોટ અને થાન પંથકના બુટલેગર મંગાવેલો વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યાની શાહી સુકાય નથી ત્યારે સાયલા નજીક બંસી હોટલ એન્ડ ગેસ્ટ હાઉસના પાર્કિંગમાં જી.જે. 09 ઝેડ 4692 નંબરના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની પી.એસ.આઈ. આઈ.એસ. રબારીને મળેલી બાતમીનાં આધારે સ્ટાફે દરોડો પાડયો છે.
ટ્રકની તલાશી લેતા જેમાંથી રૂ.31.75 લાખની કિંમતનો 8388 બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાન બાડમેરના ટ્રક ચાલકની ધરપકડ કરી દારૂ, ટ્રક, રોકડ અને વાહન મળી રૂ. 39.83 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
ઝડપાયેલા શખ્સની પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો ગાંધીધામ મોકલવાનો હોવાની અને રાજુસિંંહ બાલોતરા એ તેના સાગ્રીતે પંજાબથી ભરીને મોકલ્યા હોવાની કબુલાત આપતા મુળ સુધી પહોચવા તપાસનો ધમધમાટ આદર્યો છે.