વૃધ્ધ દંપતી ધાંધાલપુરથી સાયલા દવાખાને જતી વેળાએ કારનો કોળિયો બન્યા
સાયલા હાઈવે પર અવાર નવાર અકસ્માતના બનાવો બનવા પામ્યા છે. ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના બની છે.જેમાં ઈકો કારનું ટાયર ફાટતા ગાડી પલટી મારી ગઈ હતી. જ્યારે આ ઘટનામાં વૃદ્ધ દંપતીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મૃત્યુ નિપજ્યું હતું જ્યારે પાંચ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની મળતી માહિતી અનુસાર રાજકોટ તરફથી આવતી ઇકો ગાડીનું સાયલા મોડલ સ્કૂલ પાસે પહોંચના ટાયર ફાટયું હતું, જેથી ગાડી પલટી મારીને હાઇવે પરથી સાઈડમાં 10 ફૂટ ઉંડા ખાડામાં ખાબકી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યાં હતાં. ઈજાગ્રસ્તોને પ્રથમ સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યાં હતાં. જ્યારે સારવાર દરમિયાન નટવરભાઈ બાબુભાઈ મકવાણા(ઉ.વ.50) અને લતાબેન નટવરભાઈ મકવાણા ઉ.વ.60) બન્ને રહે. ધાંધલપુર)નું મૃત્યુ નિપજ્યું હતું, જેથી તેમને પીએમ અર્થે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે લઈ જવાયાં હતાં. જ્યારે કંચનબેન ગેલાભાઈ મકવાણા (રહે. ધાંધલપુર), જેઠાભાઈ માત્રાભાઈ કલોત્રા (ઉં.વ.45,રહે, ભાડુ કા), વિનયભાઈ ચાવડા (ઉં.વ.39, રહે.મુંબઈ), ઈશ્વરીબેન વિનયભાઈ ચાવડા (ઉં.વ.36,રહે.મુંબઈ) અને ધરવ વિનયભાઈ ચાવડા (ઉં.વ.8,રહે. મુંબઈ)ને ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં હતાં. ઉલ્લેખનીય છે કે મૃતક વૃદ્ધ દંપતી ધાંધલપુર ગામેથી સાયલા આંખની હોસ્પિટલ ખાતે આંખ બત્તાવવાના કામે જઈ રહ્યાં હતાં તે સમયે ગોઝારો અકસ્માત સર્જાતા કાળનો કોળિયો બન્યા હતા.