લૂંટારાઓએ ધોકાથી કબાટની ચાવી પડાવી લીધા બાદ રુમમાં પુરી રોકડ, મોબાઇલ અને હોન્ડાની લૂંટ ચલાવી ભાગી ગયા
સાયલા તાલુકાના આયા ગામે વાડીએ સુતેલા પરિવાર પર હુમલો કરી ચાર શખ્સોએ રુમમાં પુરી રોકડ, મોબાઇલ અને હોન્ડાની લૂંટ ચલાવી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ પોરબંદરના બખરલા ગામના વતની અને સાયલાના આયા ગામે ખેતી કામ કરતા કાંધલભઆઇ ભુરાભાઇ સુડાવદરાએ ગતરાતે ચાર શખ્સોએ પોતાના પરિવાર પર હુમલો કરી રુા.75 હજારની મત્તાની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કાંધલભાઇ તેમના પત્ની લાભુબેન, પુત્ર અજય અને પુત્રી દિશાબેન વાડીએ સુતા હતા ત્યારે મોઢે બુકાની બાંધેલા ચાર શખ્સો ઘસી આવ્યા હતા અને કાંધલભાઇ સુડાવદરાને ધોકાથી માર મારવા લાગ્યા હતા તેમને બચાવવા પત્ની લાભુબેન વચ્ચે પડતા તેમને માર મારી જે કંઇ હોય તે આપી દેવાનું કહી તેણીના પતિને મારી નાખવાની ધમકી દેતા લાભુબેને કબાટની ચાવી આપી દીધી હતા. ચારેય લૂંટારાઓએ પરિવારને એક રુમમાં પુરી કબાટમાંથી પોતાના પુત્ર અને પુત્રીની ફી ભરવા રાખલા રોકડા રુા.55 હજાર, એક મોબાઇલ અને જી.જે.25ઇ. 8323 નંબરનું હોન્ડાની લૂંટ ચલાવી ભાગી ગયા હતા.
બાજુના ખેતરમાં રહેતા દિપકભાઇ અને રાજુભાઇએ ચારેયને રુમમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા બાદ પોલીસમાં રુા.75 હજારની મત્તાની લૂંટ ચલાવ્યા અંગેની ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એચ.જી.ગોહિલ સહિતના સ્ટાફે લૂંટનો ગુનો નોંધી મોબાઇલ નેટવર્કના આધારે ચારેય લૂંટારાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.