બેંગ્લોરના તુમકુ રોડ પર વિચિત્ર અકસ્માત: પાંચ વર્ષીય બાળકી સાથે બાઈક ૨૦૦ મીટર સુધી દોડયું
જાંકો રાખે સાંઈયા, માર શકેના કોઈ
કહેવાય છે કે, જાંકો રાખે સાંઈયા માર શકે ના કોઈ…આ યુકિત બેંગ્લોરમાં એક અકસ્માત વેળાએ ખરી સાબિત થઈ છે. બેંગ્લોરમાં બુધવારના રોજ તુમકુ રોડ પર સર્જાયેલા એક અકસ્માતમાં માતા-પિતાને ઈજા પહોંચી પણ બાળકીનો ચમત્કારીક બચાવ થયો છે.
જણાવી દઈએ કે, ગઈકાલે બપોરના ૩ વાગ્યાની આસપાસ તુમકુરુ રોડ પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. તુમકુરુ રોડ તરફ એક બાઈક પર પાંચ વર્ષની બાળકી સાથે એક પુરુષ અને એક મહિલા જઈ રહ્યા હતા તે દરમિયાન બાઈક ચાલકે અન્ય વાહનોની સાઈડ કાપવાનો પ્રયાસ કરતા એક સ્કુટર તેની સાથે જોશથી અથડાયું હતું.
અથડાતાની સાથે જ સ્કુટર ચાલક સ્કુટરની સાથે ત્યાં જ રોડ પર પડી ગયો હતો ત્યારબાદ તુરંત જ બાઈક પરથી પણ તે મહિલા અને પુરુષ નીચે પટકાયા હતા. મહિલા અને પુરુષ તો બાઈક પરથી નીચે પટકાયા પરંતુ પાંચ વર્ષની બાઈક પર બેઠેલી બાળકી નીચે ન પડી તેમાં પણ આશ્ચર્યજનક બાબત એ છે કે, પાંચ વર્ષની બાળકી સાથે બાઈક એકલું ૨૦૦ મીટર સુધી દોડયું.
ત્યારબાદ બાઈક તુમકુરુ રોડ પર એક ટ્રક સાથે ધડાકાભેર અથડાય તે પહેલા બાળકી બાજુના ડીવાઈડરમાં પડી ગઈ. આ ઘટનાને પ્રત્યક્ષ જોનારા લોકોના તો શ્વાસ અઘ્ધર થઈ ગયા હતા ડીવાઈડરમાં બાળકી પડી ગયા બાદ તેને લેવા આસપાસના લોકો તુરંત જ દોડી ગયા હતા
પરંતુ તેમ છતાં આ પાંચ વર્ષીય બાળકીને સહેજ પણ ઈજા પહોંચી ન હતી. ૩૦ વર્ષીય મહિલા અને તેની સાથે બાઈક ચાલક રસ્તામાં ચાલુ બાઈકે નીચે પડી જતા તેઓને ગંભીર ઈજા પહોંચી છે. જેઓને તત્કાલીન સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
પરંતુ અહીં નવાઈની વાત એ છે કે, બાળકીને જરા પણ ઈજા પહોંચી ન હતી અને ખરેખર ચમત્કારીક બચાવ થયો હતો. આ વિચિત્ર અકસ્માતનો વિડીયો સોશિયલ મિડીયામાં પણ વાયરલ થયો છે. જેની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને વિડીયો પુષ્ટી કરતા જાણ થઈ હતી કે, આ અકસ્માત બેંગ્લોરના તુમકુરુ રોડ પરનો જ છે. બાઈક ચાલકના ભાઈએ આ અકસ્માત અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.