મહારાષ્ટ્રના શીરડીમાં આવેલું સાંઈબાબાનું મંદિર દુનિયાભરનાં સર્વધર્મના કરોડો લોકો માટે આસ્થાનું પ્રતિક છે. આ મંદિરમાં આખા વર્ષ દરમ્યાન કરોડો આસ્થાળુઓ દર્શનાર્થે આવતા હોય મંદિરની વાર્ષિક આવક અબજો રૂ.ની છે. સાંઈબાબાના ચરણે ધરાયેલી ભેટમાંથી સાંઈબાબા સંસ્થા ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધાળુઓ માટે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. પરંતુ, હવે ટ્રસ્ટે પોતાની સામાજીક જવાબદારીના ભાગરૂપે મહારાષ્ટ્ર સરકારને નહેરો બનાવવા માટે ૫૦૦ કરોડ રૂ.ની વગર વ્યાજની લોન આપી છે.

આ અંગેની વિગતો આપતા મંદિરના વરિષ્ઠ સંચાલકે જણાવ્યું હતુ કે રાજય સરકારની ગોદાવરી -મરાઠવાડા સિંચાઈ વિકાસ નિગમ સાથે આ બાબતે સમજૂતીના કરાર કરવામાં આવ્યા છે. જે મુજબ ટ્રસ્ટ ૫૦૦ કરોડ રૂ. દ્રાવરા નદી પર આવેલા નીલવાંડે ડેમમાંથી સિંચાઈ માટે કેનાલ બનાવવા માટે આપશે આ કેનાલનો લાભ અહમદનગર જિલ્લાના સંગમનર, અકોલે, રાહતા, રાહુરી અને કોપરગાંવ તાલુકા તથા નાસીક જિલ્લાનાં સિનાર તાલુકાના ૧૮૨ ગામોના ખેડુતો તથા લોકોને મળશે.

ટ્રસ્ટના પ્રોજેકટ માટે ૫૦૦ કરોડ રૂ. આપશે પરંતુ તેના પર વ્યાજ વસુલશે નહી તેમ જણાવીને આ આગેવાને આ રકમની પરત ચૂકવણીની વિગતોની વિગતો જાહેર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. મંદિર ટ્રસ્ટ નિયમિતપણે સેવાકીય કાર્ય કરતું રહે છે. પરંતુ નિલવાડે ડેમની કેનાલ માટે ફાળવેલી વિશાળ રકમને દુર્લભ સામાજીક ઘટના તરીકે ગણાવી હતી.

આ અંગે રાજયના જળસંપતિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતુ કે નીલવડે ડેમમાં પાણી સંગ્રહવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ, તેનો ઉપયોગ પીવા અને સિંચાઈ માટે કરવા માટે બંને બાજુએ કેનાલ બનાવવી જરૂરી છે. તેમ જણાવીને આ ડેમ માટે આ જુન માસમાં ૨,૨૩૨ કરોડ રૂ.ની ગ્રાન્ટ પ્રધાનમંત્રી કૃષિ સંજીવની યોજનામાંથી મંજૂર થઈ હોવાનું ઉમેર્યું હતુ.

જોકે, શીરડીના સાંઈબાબા સંસ્થા ટ્રસ્ટ દ્વારા આ અગાઉ પણ મહારાષ્ટ્ર એરપોર્ટ ડેવલપમેન્ટ કંપનીને એરપોર્ટ બનાવવા ૫૦ કરોડ રૂ.ની સહાય કરી હતી. ૩૫૦ કરોડ રૂ.ના ખર્ચે કાકાડી ગામે બનેલું આ એરપોર્ટમાં હાલમાં કાર્યરત છે. આમ, સમાજ સેવાના ભાગરૂપે લોકપયોગી કામો માટે કરોડો રૂપીંયા ફાળવીને શીરડી ટ્રસ્ટે દેશભરમાં અબજો રૂપીયાની સંપત્તિ ધરાવતા ધાર્મિક ટ્રસ્ટોને નવી દીક્ષા ચીંધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.