નવ દિવસના રિમાન્ડ પુરા થતા બે શખ્સો થયા જેલ હવાલે: ૧૪ પૈકીના ચાર શખ્સોની શોધખોળ
ગુજસીટોકની જોગવાઇ મુજબ ફરિયાદી અને સાહેદના નામ ગોપનીય રાખવા સ્પેશ્યલ પીપી દ્વારા કોર્ટમાં કરાઇ માગ
ગેંગસ્ટર જયેશ પટેલની ટોળકી સામે પોલીસે કાયદાનો ગાળીયો કસી એક સાથે ૧૪ શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી દસ શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ ત્રણ શખ્સોને વધુ રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા બે શખ્સોના રિમાન્ડ નામંજુર કરી બંને શખ્સોને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે. એક શખ્સ માટે રિમાન્ડ અરજીની સુનાવણી બાદ ત્રણ દિવસના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે.
ખંડણી પડાવવી, ખૂન, ખૂનની કોશિષ અને ફાયરિંગ સહિત અનેક ગુનામાં સંડોવાયેલા જયેશ પટેલ અને તેના સાગરિતો સામે રાજકોટ રેન્જ આઇજીપી સંદિપસિંહના માર્ગ દર્શન હેઠળ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી બિલ્ડર, અખબારના સંચલાક અને કોર્પોરેટર સહિત દસ શખ્સોની ધરપકડ કરી રિમાન્ડની મગાણી સાથે રાજકોટ કોર્ટમાં રજુ કરતા અદાલતે તમામને રિમાન્ડ પર સોપવા હુકમ કયો હતો.
જે પૈકીના મુકેશ વલ્લભ અભંગી, જીગર ઉર્ફે જમી આડતીયા અને પ્રફુલ કોટકના વધુ સાત દિવસના રિમાન્ડની માગણી સાથે રાજકોટ કોર્ટમાં રજુ કર્યા છે. બચાવ પક્ષે એડવોકેટ તરીકે કમલેશભાઇ શાહ અને તુષાર ગોકાણીએ ગુજસીટોક કાયદાની જોગવાય મુજબ ઓગેઈનાઇઝ ક્રાઇમ કરતી ગેંગના સભ્ય સામે દસ વર્ષ સુધીમાં ગુનો દાખલ હોય તો જ ગુજસીટોક દાખલ થઇ શકે જ્યારે પોલીસે ધરપકડ કરેલા શખ્સો સામે આ અગાઉ એક પણ ગુનો નોંધાયો નથી ત્યારે તેમની સામે ગુજસીટોકનો પોલીસે ઉપયોગ કર્યો તે અયોગ્ય હોવાની દલિલ કરી છે.
જ્યારે ગુજસીટોકના કાયદાની જોગવાય મુજબ સ્પેશ્યલ પીપી તરીકે એસ.કે.વોરા ઉપસ્થિત રહી આરોપીની ધાક ધમકીથી અનેક ભોગ બનેલા છે. આરોપીના ડરના કારણે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવા કે નિવેદન આપતા ડરે છે. ગુજસીટોકમાં એવી પણ જોગવાય છે કે આવા સાહેદો અને ફરિયાદના રક્ષણને ધ્યાને રાખી તેમના નામ કે તેની ઓળખ જાહેર ન થાય તેવી તકેદારી રાખવાની જોગવાય હોવાનું સ્પેશ્યલ કોર્ટના જજ આર.એલ.ઠક્કર સમક્ષ લેખિત અરજી આપી છે.
ત્રણેય શખ્સો પૈકી જીગર ઉર્ફે જમી અને પ્રફુલ કોટકના રિમાન્ડ કોર્ટે નામંજુર કરી બંને શખ્સોને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે. જ્યારે મુકેશ અભંગીની રિમાન્ડ માટેની અરજીની સુનાવણી પુરી થતા ત્રણ દિવસના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે.