કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ પૂછપરછ હાથ ધરાશે છેલ્લા ૨૪ વર્ષથી પોલીસ કરી રહી હતી શોધખોળ
ગુજરાત એન્ટી ટેરર સ્ક્વોડને એક મોટી સફળતા મળી હતી. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના સાગરીત અબ્દુલ માજિદ કુટ્ટીની ધરપકડ કરી લીધી હતી. માજિદ છેલ્લાં ૨૪ વર્ષથી ભાગેડુ હતો. તે દાઉદ ઇબ્રાહીમનો નજીકનો માણસ મનાય છે. તેની ધરપકડ બાદ કોવિડ ૧૯નો ટેસ્ટ કરવા મોકલવામાં આવ્યો છે ત્યારબાદ તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે.
૧૦૬ પિસ્તોલ, ૭૦ કારતૂસ અને લગભગ ૪ કિલો આરડીએક્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ મામલે માજિદને શોધી રહી હતી. પરંતુ, પોલીસ તેના સુધી પહોંચે તે પહેલા તે ફરાર થઈ ગયો હતો. તે પછી છેલ્લા ૨૪ વર્ષથી પોલીસ તેને શોધી રહી હતી.
૧૯૯૭ના પ્રજાસત્તાક દિન પ્રસંગે ગુજરાત અને મહારાષ્ટ્રમાં બોમ્બ વિસ્ફોટ કરવા માટે ૧૯૯૬માં મોકલાયેલા વિસ્ફોટકોના કેસમાં તેને શોધી રહી હતી. એ સમયે બોમ્બ બ્લાસ્ટ કરાવવા માટે વિસ્ફોટકો પાકિસ્તાનની એજન્સીના ઈશારે દાઉદ ઈબ્રાહિમે મોકલ્યા હતા. હથિયારોનો આ જથ્થો રાજસ્થાનના બાડમેરની સરહદથી ભારતમાં મોકલાયા હતા, જેને મુંબઇ અને અમદાવાદ પહોંચાડવાના હતા. માજિદ ઓળખ બદલીને ઘણા વર્ષોથી ઝારખંડમાં રહેતો હતો.
નોંધનીય છે કે, ગુજરાત એટીએસ એ આની પહેલાં દાઉદ ઇબ્રાહીમના જમણા હાથ કહેવાતા બાબુ સોલંકીની પણ ધરપકડ કરી હતી. સોલંકી છેલ્લાં ૧૪ વર્ષથી ભાગેડુ હતો. તે દાઉદ ઇબ્રાહીમનો જમણો હાથ મનાય છે. બાબુ સોલંકી ૨૦૦૬ના એક ગેંગવોરના કેસમાં વોન્ટેડ હતો. હાલ તે શરીફ ખાન માટે કામ કરી રહ્યો હતો. જો કે દાઉદ ઇબ્રાહીમનો ખાસ છે. હવે દાઉદ ઇબ્રાહીમના સાગરીત અબ્દુલ માજિદ કુટ્ટીની ધરપકડ કરી એટીએસને મોટી સફળતા સાંપડી છે.