સોમનાથ ખાતે બે દિવસીય ગૌ સેવા સંવર્ધન પરિસંવાદ તથા ગૌ વંશ તંદુરસ્તી હરીફાઈ યોજાઈ: કેન્દ્રીય કૃષિ મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રામમંદિરના હોલમાં કેન્દ્રીય કૃષિ અને  ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ ગૌસેવા સંવર્ધન પરિસંવાદ તથા ગૌવંશ તંદુરસ્તી હરીફાઈનો શુભારંભ કરી જણાવ્યું હતું કે, જય સોમનાથના નારામાં અતૂટ શ્રધ્ધા હોવાની સાથે આ નારામાં જયકારો રાષ્ટ્રનો થાય છે. તે ખુમારી, બલિદાન અને ત્યાગને સર્મપિત કરે છે. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રીએ સોમનાથમા મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભારત સરકાર ખેડૂતોની જેમ શૂન્ય ટકાના વ્યાજે ૩ લાખની મર્યાદામાં સાગરખેડૂ અને પશુપાલકોને પણ લોન આપવામાં આવશે. પશુમાથી રોગ નાબુદ કરવા માટે ભારત સરકાર કટીબધ્ધ હોવાની સાથે કલ્યાણકારી અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવશે. ભારત સરકારે ડેરીના વિકાસ અને રીનોવેશન માટે છ હજાર કરોડની ફાળવણી કરી છે.

રાષ્ટ્રીય કામધેનું ગૈાસેવા આયોગનાં ચેરમેન ડો.વલ્લભભાઇ કથિરીયાએ સોમનાથ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી જણાવ્યું હતું કે, ઋુષિમુની કાળથી આપણા દેશમાં ગૈાસેવાને મહત્વ આપી ઉછેર અને જતન કરવામાં આવતું હતું. તે સમયનાં સંદેશાને આજે સોમનાથ ટ્રસ્ટે સાર્થક કરી ગીરગાયનાં ઉછેર અને જતન માટે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે. દેશમાં અનેક નાનીમોટી ગૈા સંવર્ધન કરતી સંસ્થાઓ આવેલી છે. તેમને પ્રોત્સાહન આપવા માટે સરકાર કટિબધ્ધ છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી (સેક્રેટરી) પી.કે.લહેરીએ ટ્રસ્ટની કામગીરી જણાવી કહ્યું હતું કે, સોમનાથ ટ્રસ્ટ દ્રારા ૨૨૦૦ થી ૨૫૦૦ જેટલા યાત્રિકો માટે રહેવાની અને જમવાની સુવિધા કરવામાં સક્ષમ છે.

ટ્રસ્ટ દ્રારા વેરાવળના આજુબાજુના ૧૧ જેટલા ગામોમા ૧૦૦ ના ટોકન દરે બિમાર ગાયની તબિબિ સારવાર કરવામાં આવે છે અને આ ટોકન ફી સોમનાથ ટ્રસ્ટની ગૌશાળાના ફંડમાં ઉમેરવામાં આવે છે.ગૌસેવા સંવર્ધન પરિસંવાદ તથા  ગૌવંશ તંદુરસ્તી હરીફાઈમાં સહભાગી થનાર બાયફ બરોડા, જી.એચ.સી.એલ.ફાઉન્ડેશન સુત્રાપાડા, અંબુજા ફાઉન્ડેશન કોડીનાર, સાબરમતી આશ્રમ ગૌશાળા તેમજ અન્ય સંસ્થાઓ, વક્તા મનોજ સોલંકી, ડો.એસ.એમ.દેસાઈ, ડો.અમીત કથીરીયા, ડો.જે.સી.મંડલી તથા પશુ નિરીક્ષક ડો.ગોવિંદ પટાટ, ડો.અમિત કથીરીયા, ડો.કેશુર કછોટ અને ડો.દિનેશ ડાભીને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

રાજકોટના બાબુભાઈ બગડાય દ્રારા સોમનાથ ગૌશાળાને રૂા.૫૧ હજારનું અનુદાન આપવામા આવ્યું હતું. મંત્રી પરસોત્તમભાઇ રૂપાલાએ સોમનાથ મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગૌસેવા સંવર્ધન પરિસંવાદ તથા  ગૌવંશ તંદુરસ્તી હરીફાઈના પ્રથમસત્રમાં મહાનુભાવોએ અને બીજાસત્રમાં ડોકટર અને નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.