13 બેઠકોમાંથી 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ ચૂંટાયા, બાકીની 7 બેઠકોની ચૂંટણીમાં તમામ ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય
દીવ નગરપાલિકાની ચૂંટણીમાં તમામ 13 બેઠકો પર ભાજપનું કમળ ખીલ્યું છે. દીવના ઈતિહાસમાં પહેલીવાર કોઈ એક પક્ષને 100 ટકા સફળતા મળી છે.15 વર્ષ બાદ સત્તામાં વાપસી કરનાર ભાજપે કોંગ્રેસનો સફાયો કર્યો છે. ન તો કોંગ્રેસ કોઈ ઉમેદવાર ઊભો કરી શકી કે ન તો અન્ય કોઈ પક્ષ ભાજપને પડકારી શક્યો.
દીવની 13 બેઠકોમાંથી 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. બાકીની 7 બેઠકો માટે 7 જુલાઈના રોજ મતદાન થયું હતું. આ તમામ સાત બેઠકો પર ભાજપે જંગી જીત મેળવી છે. છેલ્લા 15 વર્ષથી દીવમાં કોંગ્રેસની સતત સત્તા હતી, પરંતુ કોંગ્રેસને ક્યારેય 100 ટકા સફળતા મળી નથી. ભાજપે આ વખતે આ ચમત્કાર કર્યો છે.
આ ચૂંટણી ભાજપના પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ, રાષ્ટ્રીય સચિવ અને પ્રદેશ પ્રભારી વિજયા રાહટકર, સાંસદ લાલુભાઈ પટેલ, ચૂંટણી પ્રભારી વિશાલ ટંડેલ, જિલ્લા પ્રમુખ બિપીન શાહ વગેરેની આગેવાની હેઠળ લડવામાં આવી હતી.
પ્રદેશ ઉપપ્રમુખ કિરીટ વાઝા, જિલ્લા પ્રભારી જીજ્ઞેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતા બામણિયા, વરિષ્ઠ આગેવાન રામજી પારસમણી, દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીન પટેલ અને ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના સચિવ બી. એમ. માછી એ પણ સહયોગ આપ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીની પ્રેરણાથી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાજીના માર્ગદર્શન હેઠળ, ભાજપે આ અભૂતપૂર્વ વિજય હાંસલ કર્યો છે. અમે મોદી સરકારની તમામ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છીએ. આનો તમામ શ્રેય દીવની જનતા અને ભાજપના કાર્યકરોને જાય છે, રાષ્ટ્રીય સચિવ અને પ્રદેશ પ્રભારી વિજયા રાહટકરે આ લાગણી વ્યક્ત કરી હતી.
પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલે દિવના તમામ કાઉન્સિલરો લોકસેવક તરીકે કામ કરશે અને દીવના વિકાસ માટે સમર્પિત રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ચૂંટાયેલા 13 કાઉન્સિલરોમાંથી સાત મહિલા છે. 9 કાઉન્સિલરો યુવાન છે. દીવ નગર પંચાયતને આ વખતે નવો લુક, નવા ચહેરા આપવા ભાજપે પહેલ કરી છે.
વિજેતા ઉમેદવારની યાદી
- વોર્ડ નં.1 -(જનરલ) સુનીત શ્યામજી સોલંકી
- વોર્ડ નં. 2 – (જનરલ) ચિંતક સોલંકી
- વોર્ડ નં.3 – (સ્ત્રી) ભાવના દૂધમલ
- વોર્ડ નં. 4 -(જનરલ) ક્રીડેન જયંતિલાલ
- વોર્ડ નં.5 -(જનરલ) દિનેશ કાપડિયા
- વોર્ડ નં.6 -(સ્ત્રી) નીતા સંદીપ જાધવ
- વોર્ડ નં 7- (સ્ત્રી) કરુણા રવિ સોલંકી
- વોર્ડ નં.8 – (સ્ત્રી) વનશ્રી સુરેશ સોલંકી
- વોર્ડ નં. 9 -(જનરલ) હરેશ કાપડિયા
- વોર્ડ નં.10- (સ્ત્રી) હીના રતિલાલ સોલંકી
- વોર્ડ નં.11 – (જનરલ) વિપુલકુમાર સોલંકી
- વોર્ડ નં.12 – (સ્ત્રી) હર્ષિદા સોલંકી
- વોર્ડ નં.13 – (સ્ત્રી – જઈ) હેમલતા સોલંકી