જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વિપુલ પ્રમાણમાં કેરીની આવક થઈ જતાં કેરીના ભાવ ગગડયા
ફળોની રાણી કેરીને પેટ ભરી ખાઈ શકાય એવા સારા સમાચાર જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતેથી આવ્યા છે… અને એ સમાચાર એ છે કે, જુનાગઢ યાર્ડમાં વિપુલ પ્રમાણમાં કેરીની આવક થતા, 10 કિલોના બોક્ષ રૂ. 200 માં ગઈકાલથી હરરાજીમાં વહેંચાયા હતા.ગીર અને ખાસ કરીને સોરઠ પંથકમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને લીધે કેરી સહિતના બાગાયતી પાકોને ભારે નુકસાન થવા પામ્યું છે, અને કેરીની યોગ્યતા મુજબની વેડવા સહિતની અવધિ અને પરિપકવતામાં ફેરફાર થતા, ગીર અને સોરઠ પંથકની કેસર કેરી વિપુલ પ્રમાણમાં વેચાણ અર્થે જુનાગઢ, તાલાળા સહિતની યાર્ડમાં વેચાણ અર્થે આવી રહી છે ત્યારે મોટા પ્રમાણમાં એકી સાથે કેરી માર્કેટમાં આવી જતા કેરીનો ભાવ ગગડતો જોવા મળ્યો છે. જો જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, ગઈકાલે જુનાગઢ યાર્ડ ખાતે આ સીઝનની વિક્રમ સર્જક 2,226 ક્વિન્ટલ કેરીની આવક થતા જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ કેરીથી ઉભરાયું હતું.
તે સાથે જ હરરાજીમાં કેરીનો ભાવ પણ તળિયા સુધી નીચો જતા એક મણ કેરીનો અત્યાર સુધીનો નીચો ભાવ માત્ર રુ. 400 બોલાતા 10 કિલોનું બોક્ષ માત્ર 200 રૂપિયામાં હરરાજીમાં વહેચાયું હતું.જુનાગઢ યાર્ડમાં કેરીની મોટા પ્રમાણમાં આવક થતા સામાન્ય કેરી રૂ. 400 ના ભાવે બોલાય હતી તે સાથે ઉચ્ચ કક્ષાની કેરીના ભાવ રૂ. 1375 મણના રહેવા પામ્યા હતા. એટલે કે, 10 કીલો બોક્ષના 700 રૂપિયા આસપાસ થતા સારી ગુણવત્તા વાળી કેરી પણ સસ્તી થઇ હતી. અને કેરી રસીયાઓ દ્વારા જથ્થાબંધ રીતે કેરીની ખરીદી કરવામાં આવી હતી.
આ સાથે આજે પણ સવારથી જ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ કેરીના વિપુલ જથ્થાથી ઉભરાયું છે. અને ગઈકાલની જેમ જ આજે પણ કેરીના ભાવ હરાજીમાં ખૂબ જ નીચા ભાવે બોલાઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તે સાથે હજુ થોડા દિવસો કેરીની આવક આ જ રીતે જળવાઈ રહેશે. જેના કારણે કેરી આ દિવસોમાં ખૂબ જ સસ્તા ભાવે કેરી રશિયાઓને મળી રહેશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.
બીજી બાજુ માવઠાને લીધે આંબામાંથી ખરી ગયેલ અને આંબે રહેલી કેરી જલ્દીથી પાકતી ન હોય અને કેરીની ગુણવત્તા જળવાતી ન હોવાથી થાકીને ખેડૂતો અને ઇજારાદારો દ્વારા કેરી આબેથી ઉતારી માર્કેટમાં લાવવામાં આવી રહી છે જેના કારણે ભાવ ઓછો થતા ખેડૂતોને માથે હાથે દઈ બેસી આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. દુનિયાભરમાં ધુમ મચાવતી કેસર કેરીનો ભાવ ઘટયો રૂ. ર0ની કિલોએ વેચાણ.