વિજેતા ઉમેદવારોને પૂર્વ મંત્રી- સહકારી અગ્રણી જયેશભાઇ રાદડીયા, ડો. ભરતભાઇ બોધરા, મનસુખભાઇ ખાચરીયા, મનસુખભાઇ રામાણીએ અભિનંદન પાઠવ્યા
જસદણ માકેટીંગ યાર્ડની ભારે રસાકસી ભરી ચુંટણીના પરિણામમાં ગઇકાલે ભાજપ પ્રેરીત ખેડુત પેનલના તમામ ઉમેદવારોનો વિજય થતા યાર્ડમાં અપેક્ષીત ધોરણે કેસરીયા લહેરાય ઉઠયો હતો. છેલ્લા એકાદ મહીનાથી ઉમેદવારો અને મતદારો વચ્ચે સતત પણે પ્રચારનો દોર ચાલીર હ્યો હતો. અને પરીણામ અંગે ભારે સસ્પેન્સ સર્જાય તેવી ગળા કાપ રસાકસી સર્જાય હતી. ઉમેદવારો એક એક મત અંકે કરવામાં આકાશ પાતાળ એક કરતા જોવા મળ્યા આ પહેલા પરીણામમાં કેસરીયો છવાય જાવા પામેલ છે.
જસદણ માર્કેટિંગ યાર્ડમાં ગઇકાલે મતગણતરી યોજાતા ભાજપ પ્રેરીત ખેડૂત પેનલના તમામ ઉમેદવારોની જીત થઈ હતી.ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જસદણ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીનું ગુરુવારે મતદાન યોજાયા બાદ ગઇકાલે સવારે 9 કલાકે ચૂંટણી અધિકારી વી. આર. કપુરિયાના અધ્યક્ષ સ્થાને મતગણતરી શરૂ થઈ હતી જેમાં પ્રથમ વેપારી મત વિભાગની ચાર બેઠકોનું પરિણામ જાહેર થયું હતું. વેપારી વિભાગની ચાર બેઠકો માટે કુલ 8 ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. જેમાં
મહાવીરભાઈ ભુપતભાઈ ધાધલ (90 મત) ભાવેશભાઈ કરસનભાઈ રાદડિયા (75 મત), ગંગદાસભાઈ નાથાભાઈ કાકડીયા, (68 મત), પ્રેમજીભાઈ અમરશીભાઈ રાજપરા, (64 મત). મળતા વિજેતા જાહેર થયા હતા. વેપારી વિભાગના નોંધાયેલા 119 મતદારોમાંથી કુલ 118 મતદારોએ મતદાન કરતા વેપારી વિભાગમાં 99 ટકા મતદાન નોંધાયું હતું. સહકારી ખરીદ વેચાણ મંડળીઓ નાં વિભાગની એક માત્ર બેઠક ઉપર રાજકોટ ડીસ્ટ્રિક કો ઓપરેટિંવ બેંકનાં ડિરેક્ટર અને જસદણ યાર્ડનાં ચેરમેન અરવિંદભાઈ તાગડિયા બિનહરીફ થયા હતા. ખેડૂત મત વિભાગની 10 બેઠકો માટે કુલ 28 ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા.
ખેડુત મત વિભાગ માટે ભાજપના ડો.ભરતભાઇ બોઘરા અને સહકારી અગ્રણી જયેશભાઇ રાદડીયાની આગેવાની હેઠળ તૈયાર થયેલી સમગ્ર પેનલ વિજેતા થઈ છે. જેમાં પ્રાગજીભાઈ દેહાભાઈ કુકડીયા 210 મત, વાલજીભાઈ ટપુભાઈ એંધાણી 208 મત, સંજયભાઈ રવજીભાઈ હરખાણી 205 મત, રમેશભાઈ લખમણભાઇ હિરપરા 205 મત, છગનભાઇ મુળજીભાઇ શિંગાળા 200 મત, ધનજીભાઈ ડાયાભાઈ ઝાપડીયા 195 મત, રાજેશભાઈ લાધાભાઇ બોઘરા 194 મત, જેસીંગભાઇ મેરામભાઇ ડવ 186, ધીરુભાઈ બચુભાઈ રામાણી 185 અને જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઇ લાધાભાઇ છાયાણી 181 મત મળતા વિજેતા જાહેર થયા છે. જસદણ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી બળવંતભાઈ ચોલિયા સહિતની ટીમે મતગણતરીની કામગીરી માટે વ્યવસ્થા સંભાળી હતી. ભાજપની જીતને ધારાસભ્ય અને સહકારી અગ્રણી જયેશભાઇ રાદડીયા, ડો.ભરતભાઇ બોઘરા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખારચીયા, જિલ્લા ભાજપ મંત્રી મનસુખભાઈ રામાણી સહિતના આગેવાનોએ ભાજપનાં વિજયને વધાવ્યો હતો.