બીજેપી કાર્યાલયે ઢોલ સરણાઈ સાથે ખુશીનો માહોલ છવાયો
રાજ્યની 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોની આગામી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય પંચાયત અને પાલિકાની કઈ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે તે વાત પરથી આજે સાંજે પડદો ઉંચકાઈ જશે અને જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ થઈ જશે. કેટલીક પંચાયત અને પાલિકાઓમાં કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડી સુધી પોતાના ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા ન હોય મતદાન પૂર્વે જ ભાજપ 36 જેટલી બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે. ત્યારે કેશોદ નગરપાલીકાના વોર્ડ નં. 3ના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર વીરાભાઇ સિંધલ બિનહરીફ જાહેર થતાં પાર્ટીમાં ખુશીની લહેર છવાઈ છે. કોંગ્રેસ અને આપના ‘મુરતિયા’ઓએ ફોર્મ પરત ખેંચી લેતા ચૂંટણી પહેલા જ કમળ ખીલ્યું છે. બીજેપી કાર્યાલયે ઢોલ સરણાઈ સાથે ખુશીનો માહોલ છવાયો છે. ઉમેદવારે 500-500 રૂપિયાની નોટો ઉડાળી વીજયનો જશ્ન મનાવ્યો છે.
વોર્ડ નં. 3માં ભાજપના 4, કોંગ્રેસના 4 અને આમ આદમી પાર્ટીના 1 એમ કુલ 9 ઉમેદવારેા ચુંટણી લડી રહ્યા હતાં. જેમાથી કોંગ્રેસના 2 અને આમ આદમી પાર્ટીના 1 ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતાં ભાજપના 2 ઉમેદવાર ભરમીબેન મુળીયાસિયા અને વીરાભાઇ સિંધલ બિનહરીફ જાહેર થયા છે. ફોર્મ ખેંચનારા ઉમેદવારોમાં કોંગ્રેસના જયશ્રીબેન સુત્રેજા અને રામભાઈ કોડિયાતર જયારે આપ પાર્ટીના પરેશભાઇ ચાવડાનો સમાવેશ છે.