સુરેન્દ્રનગર : ચાલુ બસે ટાયરના બોલ્ટ નિકળી ગયા, ૪૦ મૂસાફરોનો બચાવ
મોરબી-સુરત રૂટની બસમાં સી.યુ. શાહ મેડીકલ કોલેજની પાસે ખામી સર્જાઇ : મોટી જાનહાનિ ટળી : તંત્રની બેદરકારી સામે રોષ
રાજ્ય સરકાર દ્વારા એસ.ટી.બસોમાં મુસાફરી અંગે મોટીમોટી જાહેરાતો કરવામાં આવે છે અને લોકોને સલામત સવારી એસટી અમારી સુત્રને સાર્થક કરી લોકોને એસટી બસોમાં મુસાફરી કરવાનું આહવાન કરવામાં આવી રહ્યું છે પરંતુ રાજ્યના અનેક ડેપો અંતર્ગત ચાલતી એસટી બસોની હાલત અત્યંત ખરાબ હોવાથી મુસાફરો સહિત ડ્રાઈવર અને કંડકટરને જીવના જોખમે મુસાફરી કરવી પડતી હોવાની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે તાજેતરમાં મોરબી એસટી ડેપો અંતર્ગત ચાલતી મોરબી-સુરત રૂટની એસટી બસના ટાયરના નટ-બોલ્ટના સ્ટડ નીકળી જતાં મુસાફરોને હાલાકી પડી હતી તેમજ આ અંગે સ્થાનિક રીક્ષાચાલકે જાણ કરતાં સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી.આ અંગે મુસાફરો સહિત સુત્રોના જણાવ્યા મુજબ મોરબી-સુરત રૂટની એસટી બસ નિયમીત સુરેન્દ્રનગર સહિતના શહેરોમાંથી પસાર થાય છે અને મોટીસંખ્યામાં મુસાફરો આ બસમાં મુસાફરી કરે છે ત્યારે તાજેતરમાં આ રૂટની બસ સુરેન્દ્રનગર શહેરના સી.યુ.શાહ મેડીકલ કોલેજ અને હોસ્પીટલ (ટી.બી.હોસ્પીટલ) રૂટ પરથી પસાર થઈ રહી હતી તે દરમ્યાન અચાનક એસટી બસની નજીકથી પસાર થતાં રીક્ષાચાલકને જાણ થતાં બસને રોકી હતી તેમજ ડ્રાઈવર અને કંડકટરને જાણ કરી એસટી બસના પાછળના ટાયરનાં સ્ટડ અને પાંચથી છ નટ-બોલ્ટ નીકળી ગયાં હોવાનું જણાવ્યું હતું આથી ફરજ પરનાં ડ્રાઈવરે સુરેન્દ્રનગર એસટી ડેપોના સ્ટાફને જાણ કરતાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને બસને એસટી ડેપો ખાતે લઈ જઈ અન્ય બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જોકે મોરબી એસટી ડેપોના વર્કશોપના ઈન્ચાર્જ સહિત સ્ટાફને આ બસમાં ખામી અને બેદરકારીના કારણે બસમાં ખામી હોવા છતાં બસમાં મુસાફરો ભરવામાં આવ્યાં હોવાની ચર્ચાઓ વહેતી થવાં લાગી હતી અને સમગ્ર મામલે મોરબી ડેપોના ફરજ પરનાં મીકેનીકની બેદરકારી પણ સામે આવી હતી આમ એસટી વિભાગની બેદરકારી સામે આવી હતી જો કે સદ્દનસીબે જાણ થતાં મોટી જાનહાની ટળી હતી.