પરાબજારમાં આશિર્વાદ માર્કેટીંગમાંથી લેવામાં આવેલા મરચું, હળદર અને ધાણાજીરાના નમૂના અમદાવાદની ગુજરાત લેબોરેટરીમાં પાસ જાહેર કરાતા કોર્પોરેશને નમૂના પૂના મોકલ્યા જેમાં ભેળસેળ ખૂલી
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના પરાબજાર વિસ્તારમાં નવી દરજી બજારમાં કાપડ માર્કેટ પાછળ આવેલા મહાવીર કોમ્પ્લેક્સમાં આશિર્વાદ નામની પેઢીમાંથી ભેળસેળની શંકાના આધારે લાલ મરચા પાવડર, હળદર પાવડર અને ધાણાજીરૂં પાવડરનો નમૂનો લઇ પરિક્ષણ માટે અમદાવાદની ગુજરાત લેબમાં મોકવામાં આવ્યા હતા.
જ્યાં ત્રણેય નમૂના સહિ-સલામત હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું છતાં કોર્પોરેશનને શંકા લાગતા નમૂના પૂણે લેબમાં મોકવામાં આવ્યા હતા. જેમાં લાલ મરચા પાવડર નમૂનો નાપાસ જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આશિર્વાદ માર્કેટીંગમાંથી લેવામાં આવેલા મરચું, હળદર અને ધાણાજીરૂંમાં કલરની ભેળસેળની શંકા જણાતા રાજ્ય સરકારના આદેશ મુજબ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી ગુજરાત લેબોરેટરીમાં નમૂના મોકવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેય નમૂના પાસ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે રિપોર્ટના પરિણામ બાદ જ પણ ડેઝીગેટેડ ઓફિસરને શંકા લાગતા આ ત્રણેય નમૂનાને રિએનાલીસીસ અર્થે પૂણેની રેફરલ ફૂડ લેબોરેટરીમાં મોકવામાં આવ્યા હતા. જેમાં લાલ મરચા પાવડરમાં મકાઇની સ્ટાર્ચયુક્ત અને નોન પરમિટેડ ઓઇલ સોલ્યુબલ રેડ અને ઓરેન્જ કલરની ભેળસેળ મળી આવતા મરચાનો નમૂનો નાપાસ જાહેર કરવામાં આવ્યો છે. હવે વેપારી સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.