શિકારીઓ દ્વારા ૪૦ પક્ષીઓનો શિકાર કરાયો જેમાંથી ૨૭ પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા
પક્ષીઓનો શિકાર કરવાનો એક વધુ બનાવ બન્યો છે. નળ સરોવરની આસપાસના ગામના લોકો દ્વારા નળ સરોવર અભ્યારણના પક્ષીઓનો શિકાર થઈ રહ્યાં છે.
ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા ૫૦ જેટલા પક્ષીઓ ઓછા થયાની જાણ થતા તેમણે તપાસ શરૂ કરી જેમાં કેટલીક ચોંકાવનારી હકીકત સામે આવી. નળ સરોવર તેમજ રામસાર સાઈટમાંથી અચાનક જ પક્ષીઓ ઓછા થઈ રહ્યાં હતા.
ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા શિકાર કરાયેલા ૪૦ માંથી ૨૭ પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા. ઉલ્લેખનીય છે કે પક્ષીઓના શિકારનો આ મહિનામાં બીજો બનાવ છે.
આ અંગે વધુ જણાવતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડો.ભાવેશ પટેલે કહ્યું કે, “અગાઉ બનેલી ઘટનાને લઈ સતત આ વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી હતી.
પોલીસે માહિતીના આધારે તપાસ હાથ ધરી આ શિકારની પ્રવૃતિમાં પાંચ લોકો સામેલ હતા. જેમાંથી એક શિકારી ઓધા હકાભાઈને પકડી લીધો છે.
વધુમાં પટેલે જણાવ્યું કે, “શિકારીઓ નેટ બાંધવામાં આવતી અને બીજા દિવસે નેટમાં ફસાયેલા પક્ષીઓને રાત્રીના અંધકારમાં ઘરે લઈ જવાતા હતા ઉલ્લેખનીય છે કે, ૧૦ ઓગષ્ટે પણ નળ સરોવરની આસપાસના વિસ્તારમાં પતંગના સહારે પક્ષીઓનો શિકાર થતો હતો અને આ ઘટનામાં વહાન પાધર નામના એક વ્યક્તિને રંગેહાથ ઝડપી લીધો હતો.
ગાંધીનગરના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ૧૨૦ સ્કવેર કિ.મી. એરિયામાં ફેલાયેલા નળ સરોવરમાં ૧૪ વ્યક્તિઓનો જ સ્ટાફ છે. જેમાંથી પાંચ વ્યક્તિ જ નળ સરોવરની અંદરના ભાગની દેખરેખ રાખે છે.
નળ સરોવરના ફોરેસ્ટ અધિકારીએ કહ્યું કે નળ સરોવર અભ્યારણની સુરક્ષા માટે અમે એસઆરપીની માંગ કરી છે પરંતુ હજુ સુધી ટીમ મળી નથી. જયારે ગાંધીનગરના અધિકારીએ જણાવ્યું કે, નળ સરોવર અને રામસાર સાઈટને પુરતી સુરક્ષા મળી રહેશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઉત્તરાયણ વગર જ પતંગ ચગાવતા લોકોને જોઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તપાસ હાથ ધરી હતી. જેમાં નળ સરોવરની આસપાસના ગામમાં રહેતા કેટલાક શિકારીઓ દ્વારા પતંગના તેજ દોરા દ્વારા પક્ષીઓનો શિકાર કરવામાં આવતો. આ પક્ષીઓ તેઓ ઉંચી કિંમતે વેચી દેતા કે પક્ષી તેનો ખાવામાં ઉપયોગ કરતા હતા.