આનંદો… ગીરનું સફારી પાર્ક શરૂ થતાં શકય બનશે ‘ડાલામથા’ના દર્શન
પ્રવાસીઓ પર નિર્ભર હોટલ, રેસ્ટોરન્ટના વ્યવસાયકારો, વેપારીઓનાં રોજગાર ધંધા ધમધમશે
પ્રાપ્ત વિગતો અનુસાર આગામી તારીખ ૧ ઑક્ટોબરથી સાસણનું સફારી પાર્ક શરૂ કરવામાં આવે તે માટે ગુજરાતના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન શ્યામલ ટિકેદાર દ્વાર એક પરિપત્ર જારી થયેલ છે તે મુજબ પ્રવાસીઓ હવે સફારી પાર્કની બિન્દાસ મુલાકાત લઇ શકશે તથા સોરઠની શાન એવા ડાલામથા સિંહોના રૂબરૂ દર્શન કરી શકશે.
પહેલી ઑક્ટોબરથી શરૂ થનાર સફારી પાર્કની મુલાકાત માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે, અને સફારી પાર્કમાં પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન પણ થવા લાગ્યું છે. અને ગીરનું સાસણ અને સફારી પાર્ક આ માટે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય અને આકર્ષણનું કેન્દ્ર છે જે લોક ડાઉનના સમયથી બંધ હતું
વન વિભાગ દ્વારા સફારી પાર્ક ખોલવાના પરિપત્ર સાથે સાસણના સ્થાનિક લોકોમાં ભારે ખુશીનો માહોલ ફેલાયો છે. કારણ કે, સાસણ ગામ પ્રવાસીઓ ઉપર નિર્ભર ગામ છે, અને પ્રવાસીઓ અહીં ન આવતા સાસણની હોટલ, રેસ્ટોરન્ટનો વ્યવસાય સાવ ઠપ થઈ જવા પામ્યો હતો. જેના કારણે અનેક વેપારીઓ તથા ખાસ કરીને ગાઈડો હાલમાં બેકાર બની ગયા હતા.