જે ધર્મ વિજ્ઞાનને ન સ્વીકારે તે મ્યુઝીયમના પ્રદર્શન જેવો જોવાલાયક બને પણ કોઇ કામ ન લાગે, ધર્મ વિજ્ઞાનનો સ્વીકાર કરે : સંસ્કારી માતા હોય તો ઘર નાનુ ગુરૂકુળ જ છે

સોરઠીયાની સાહિત્ય સૃષ્ટિ મોબાઇલ એપના લોકાર્પણ પ્રસંગે એસજીવીપી ગુરૂકુળ છારોડીના સ્થાપક પૂજ્ય માધવપ્રિયદાસજીનું મનનીય વક્તવ્ય

અમરેલી ખાતે જેને સાંભળવા તે જીવનનો લ્હાવો ગણાય તેવા સંત અને એસજીવીપી ગુરૂકુળ છારોડીના સ્થાપક પૂજ્ય  માધવપ્રિયદાસજી આજે અમરેલી ખાતે પધાર્યા હતા અને અમરેલીમાં દાદા ભગવાનના મંદિર ખાતે જિલ્લાનાં લેખક પત્રકાર સ્વ. ગોરધનદાસ સોરઠીયાના પુસ્તકોને ઇ-બુક સ્વરૂપે બનાવી મોબાઇલ એપ સોરઠીયાની સાહિત્ય સૃષ્ટિના લોકાર્પણ પ્રસંગે તેમણે ઉપસ્થિત અમરેલીવાસીઓને મનનીય વક્તવ્ય આપ્યુ હતુ.

નિડર પત્રકાર   ગોરધનદાસ સોરઠીયાનાં સંસ્મરણો વાગોળતા તેમણે સાંપ્રત પ્રવાહો મિડીયા અને સાધુ વિશે ટુંકી પણ સચોટ વ્યાખ્યાઓ આપી હતી તેમણે જણાવ્યુ હતુ કે આજના સમયમાં સાધુએ અપ ટુ ડેટ નહી પણ અપડેટ રહેવુ જોઇએ કારણકે જે ધર્મ વિજ્ઞાનને ન સ્વીકારે તે મ્યુઝીયમ જેવો બની જાય છે તે જોવાલાયક તો રહે છે પણ કોઇ કામ ન લાગે ધર્મે વિજ્ઞાનનો સ્વીકાર કરવો જોઇએ પશ્ર્ચિમના લોકો ભારતને અંધકારનો દેશ ગણતા હતા પણ જે જમાનામાં પશ્ર્ચિમના લોકો જંગલોમાં રહેતા હતા ત્યારે ભારત વર્ષ જ્ઞાનનાં અંજવાળામાં ઝળહળતુ સર્વોચ્ચ શિખરે હતુ તેનું દરેક ભારતીયોએ ગૌરવ લેવુ જોઇએ.

ખોડલધામના ટ્રસ્ટી   વસંતભાઇ મોવલીયા વતી   સુરેશ દેસાઇએ   સોરઠીયાના સંસ્મરણો તાજા કર્યા હતા.

સોરઠીયા પરિવારના સ્નેહી  મધુભાઈ પટોળીયા,  એમ.કે. સાવલીયા, રાધા રમણ ટેમ્પલ બોર્ડન  રાજેશ માંગરોળીયા, કૌશીક મહેતા, અમરેલીના બિલ્ડર અને વિવિધ સંસ્થાઓના વડલા જેવા  વસંતભાઇ મોવલીયા,  હરીભાઇ કાળાભાઇ સાંગાણી,  ભરતભાઇ બસીયા,  ભરતભાઇ મહેતા, પુર્વ કૃષિ મંત્રી   બેચરભાઇ ભાદાણી, જાણીતા કેળવણીકાર   બી.એલ. હીરપરા,   શંભુભાઇ દેસાઇ,  દિનેશભાઇ ભુવા શીતલ,   ભીખુભાઇ કાબરીયા,  સુરેશ દેસાઇ,   રોહિત જીવાણી,   ધ્યેય પંડયા, શ્રી તાપસ તળાવીયા,  મહેશભાઇ કડછા,   જીણાભાઇ વઘાસીયા સહિત વિવિધ ક્ષેત્રનાં આગેવાનો વગેરે ઉપસ્થિત રહયા હતા અને ખોડલધામ રાજકોટ તથા અમરેલી દ્વારા સ્વ. સોરઠીયાના પરિવારનું અદકેરૂ સન્માન કરવામાં આવ્યુ હતુ તથા  વિષ્ણુભાઇ પંડયા,  મહમદભાઇ ત્રવાડી,   વસંતભાઇ પરીખ,  દિલીપભાઇ સંઘાણી,  રઘુવીર ચૌધરી   શામજીભાઇ ખુંટ, સહિતના મહાનુભાવોનો શુભેચ્છા સંદેશ સૌએ નિહાળ્યા હતા. આ કાર્યક્રમમાં મહેમાનોનું શબ્દોથી સ્વાગત શ્રી મેહુલ સોરઠીયાએ કરેલ તથા સંચાલન  અર્જુન દવેએ કર્યુ હતુ તથા આભારવિધિ   ઓમ સોરઠીયાએ કરી હતી…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.