કોરોનાની મહામારી વચ્ચે પણ રાજકોટને ગ્રીન સિટી બનાવવાનું પુરજોશમાં ચાલતું અભિયાન: શહેરને સંપૂર્ણ હરિયાળું બનાવવાનો નિર્ધાર
ગ્રીન રાજકોટ પ્રોજેક્ટ માટે નવો કન્સેપ્ટ: બાળકના જન્મદિવસ કે સદગત સ્વજનની પુણ્યતિથિ નિમિત્તે ફ્રીમાં વૃક્ષારોપણ કરી દેવાશે, સાથે વૃક્ષના પિંજરાની બહાર સ્વજનની નેમ પ્લેટ પણ લગાવી આપવામાં આવશે.
સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટને ગ્રીન સિટી બનાવવાનું અભિયાન કોરોનાની મહામારી વચ્ચે પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ અભિયાન હેઠળ ચોમાસામાં શહેરમાં ૨ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. સાથોસાથ તેના જતનની પણ તકેદારી લેવામાં આવશે. ઉપરાંત આ વખતે નવો અભિગમ શરૂ કરાયો છે.
જેમાં કોઈ પણ વ્યક્તિ બાળકના જન્મદિવસ કે સદગત સ્વજનની પુણ્યતિથિ નિમિત્તે એક ફોન કરશે એટલે ટિમ તેના ઘરે આવીને ફ્રીમાં વૃક્ષારોપણ કરી જશે અને વૃક્ષના પિંજરાની બહાર નેમ પ્લેટ પણ લગાવી આપશે.
રાજકોટને ગ્રીન બનાવવાના સંકલ્પ સાથે કાર્યરત સદભાવના વૃદ્ધાશ્રમ આજે દરેક શેરીઓ, મહોલ્લાઓ અને સોસાયટીઓમાં જાણીતું બન્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમ નિરાધાર વડીલોને આશ્રય આપવાની સાથે શહેરને ગ્રીન બનાવવાનું પણ અભિયાન ચલાવી રહ્યું છે.
જેને ખૂબ ટૂંકા સમયમાં ખૂબ ૩.૨૦ લાખ વૃક્ષો વાવવાનું મોટું ભગીરથ કાર્ય કર્યું છે. વૃક્ષો વાવવા સહેલા છે. પણ તેની માવજત કરવી અઘરી છે. જ્યારે આ સંસ્થા દ્વારા વૃક્ષોના વાવેતર સાથે તેને પિંજરાથી રક્ષણ આપવામાં આવે છે અને સાથે જાહેર સ્થળોએ વાવેલા વૃક્ષોને પાણી પીવડાવવા સહિતની કામગીરી કરીને તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવે છે.
સદભાવના વૃદ્ધાશ્રમનું ’ધ ગ્રીન મેન’ તરીકે જાણીતા વિજયભાઈ ડોબરીયા સફળ રીતે સુકાન સંભાળી રહ્યા છે. તેઓએ વડીલોની અને પર્યાવરણની બન્નેની સેવા કરવાના સંકલ્પ સાથે નાની એવી સંસ્થા શરૂ કરી હતી જે આજે ભગીરથ કાર્યોથી વટવૃક્ષ બનીને લોકપ્રિય બની છે. હાલ કોરોનાની મહામારી વચ્ચે પણ વિજયભાઈ ડોબરિયાના માર્ગદર્શન હેઠળ સદભાવના વૃદ્ધાશ્રમની ફૌજ વૃક્ષારોપણની કામગીરી પુરજોશમાં કરી રહી છે.
અત્યાર સુધીમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ૩.૫૦ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. સંસ્થા હાલ ૫૫ વાહનોના ઉપયોગ વડે આ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન પાછળ અંદાજીત ૧૮ કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે માટે રાજ્ય સરકારે ’ધ ગ્રીન મેન’
વિજયભાઈ ડોબરીયાનું વન પંડીત એવોર્ડથી સન્માન પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ સંસ્થા દ્વારા રાજકોટમાં ચોમાસામાં ૨ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે.
સદભાવના વૃદ્ધાશ્રમ દરેક જાહેર સ્થળો ઉપર બિનઉપયોગી જગ્યામાં વૃક્ષોનું વાવેતર કરે છે. વધુમાં દરેક ઘર દીઠ એક વૃક્ષ હોય તેવા પ્રયાસો કરે છે. જે માટે આ વખતે નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાના બાળક કે સદગત સ્વજનની પુણ્યતિથિ નિમિતે મો.નં. ૮૦૦૦૨૮૮૮૮૮ ઉપર ફોન કરશે એટલે સદભાવના વૃદ્ધાશ્રમની ટિમ તેમના ઘરે જઈને ફ્રીમાં વૃક્ષ વાવી જશે અને સાથે વૃક્ષના પિંજરાની બહાર સ્વજનની નેમ પ્લેટ પણ લગાવી આપશે.
લોકો માત્ર એક ફોન કરીને રાજકોટને ગ્રીન બનાવવાના અભિયાનમાં સહયોગ આપે : વિજયભાઈ ડોબરીયા
સદભાવના વૃદ્ધાશ્રમના મોભી વિજયભાઈ ડોબરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રકૃતિનો ધીમે ધીમે નાશ થઈ રહ્યો છે. ત્યારે માનવ જીવનને બચાવવા હવે એક જ રસ્તો રહ્યો છે તે વૃક્ષારોપણ છે. વૃક્ષ માત્ર માનવજાત પશુ- પક્ષી અને અસંખ્ય જીવોને પણ જીવન બક્ષે છે. હવે વધુમાં વધુ વૃક્ષારોપણની આવશ્યકતા છે. તેમાં પણ રાજકોટના શહેરિજનોએ વૃક્ષારોપણ અભિયાનમાં સહયોગ આપવા માત્રને માત્ર સદભાવના વૃદ્ધાશ્રમને એક ફોન કરવાનો છે. એક ફોન કર્યા બાદ અમારી ટિમ વૃક્ષારોપણ કરી જશે અને વૃક્ષને પિંજરાથી સુરક્ષિત પણ બનાવી જશે. બાદમાં ફોન કરનારે માત્ર તેને પાણી પીવડાવવાની જ જવાબદારી ઉઠવાની રહેશે. અંતમાં તેઓએ રાજકોટને સંપૂર્ણ ગ્રીન બનાવવાના સ્વપ્નને સાકાર કરવા માટે સહયોગ આપવા શહેરીજનોને અપીલ કરી હતી.