રાજકોટના જ રહેવાસી જેઓ આર્થિક રીતે ખૂબ સદ્ધર સાથે ઘર પરિવાર પણ ખૂબ વ્યવસ્થિત. પરંતુ છેલ્લા 5 મહિનાથી સતત એકલાપણુ અનુભવ્યા કરવું, કોઈ સાથે બેસવું ન ગમતું, કોઈ કામમાં ચિત ન લાગવું,ભોજન પ્રત્યે પણ અરુચિ જાગવી અંતે ખ્યાલ આવ્યો કે બધું જ હોવા છતાં એકલાપણુ અને કંઈક ખૂટતું હોય એ અનુભવ એટલે તેઓ ડાયસ્થેમિયા ના લક્ષણો ધરાવતા હતા. તેમની સાથે વાત જ્યારે આગળ વધી તો કહ્યું તેમને જ્યારે કોરોના થયો અને કોરોન્ટાઇન રહેવું પડયું એ પછીથી આ લક્ષણો વધુ વિકસિત થયા. ત્યારથી એમને એકાંતનો જ અનુભવ થાય છે.
સામાજિક અંતરને કારણે બધું હોવા છતાં એકાંતનો અનુભવ
ડાયસ્થેમિયા ધરાવતા વ્યકિત કયારેય હસતા, નાચતા, આનંદમાં જોવા મળતા નથી: ઘણા લોકો તેમને ‘દુ:ખી આત્મા’ તરીકે બોલાવે છે
મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા દોશી અને વિદ્યાર્થીની નિશા પૂરોહિતનું વિશ્લેષણ
એક યુવતી ને પ્રેમ લગ્ન કરવા હતા. લગ્ન ઘર કુટુંબની મરજીથી જ થયા. ખૂબ સુખ શાંતિથી બધું થયું પણ લગ્નના 1 વર્ષ પછીથી સતત તણાવ અને ચિંતા રહેતા, પતિ તરફથી પણ પ્રેમ મળતો, ગાયનેક સમસ્યા કોઈ ન હોય પણ છતાં બાળક ન રહી શકતું. વાત કરતા માલુમ થયું કે ભલે પ્રેમ લગ્ન કર્યા પણ ક્યાંક માતા પિતાને દગો દીધાનો અફસોસ અંદર અંદર એને હેરાન કરતો હતો અને જીવન જીવવામાં તકલીફ પડતી હતી.
તે પોતાના માતા પિતાનું એક જ સંતાન હોય જ્યારે માતા પિતાને કોરોના થયો તે સમયે તેને થયું કે જો એણે લગ્ન ન કર્યા હોત તો ઘરે રહી તેના માતા પિતાની સેવા કરી શકે. આ ઉપરાંત આવેલ અમુક કિસ્સા ના લક્ષણો નું વિશ્લેષણ મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની નિશા પુરોહિતે ડો.ધારા આર. દોશીના માર્ગદર્શનમાં કર્યું જેને ડાયસ્થેમિયા તરીકે ઓળખવામાં આવે છે જે એક માનસિક કષ્ટ ની વિકૃતી છે.
ડિપ્રેશન અને ડાયસ્થેમિયા વચ્ચે તફાવત
વ્યક્તિમાં ડિપ્રેશનના લક્ષણોનો સમયગાળો વધુ હોય છે. ત્યારે વ્યક્તિ ડિપ્રેશન માં છે જેમ કહી મન ઉદાસ રહેવું, રડવાનું મન થવું, એકાગ્રતા ઘટી જવી , થાક, ભૂખ વધુ કે ઓછી લાગવી, આત્મહત્યાના વિચાર આવવા, ઊંઘ માં ખલેલ વગેરે જોવા મળે છે.ડિપ્રેશનમાં આવતા પોતાના રોજિંદા કાર્યો કરવા પણ વ્યક્તિ સક્ષમ રહેતો નથી. તે નોકરી કરવા કે અમુક સામાજિક. પ્રસંગોમાં હાજરી પણ આપી શકતો નથી અને સામાન્ય રીતે જોતાં આપણે તેને ઓળખી શકીએ છીએ કે તે દુ:ખી કે ઉદાસ છે.
જ્યારે ડાયસ્થેમિયામાં વ્યક્તિ પોતાનું રોજિદું કામ વ્યવસ્થિત રીતે કરે છે તેમજ સામાજિક કાર્યોમાં પણ ભાગ લે છે. જીવન ના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે બીજાની નજરે તે ખુશ જ લાગે છે વ્યક્તિ પોતે ખુશ જ હોતો નથી. આમ, ડિપ્રેશન ના ઘણા લક્ષણ ડાયસ્થેમિયા માં જોવા મળે છે. ડિપ્રેશનની શરૂઆત જ છે તેમ કહી શકાય પણ ડાયસ્થેમિયા ની યોગ્ય સમયે ઓળખ કરી ડિપ્રેશનથી બચી શકાય.
લક્ષણો
- ઊંઘ ખુબ વધુ કે ખુબ ઓછી આવવી.
- કારણ વગર થાક લાગવો
- આત્મવિશ્વાસમાં ઘટાડો.
- ઉદાસીનતા.
- ભૂખ ઓછી કે વધુ લાગવી.
- એકાગ્રતા માં ઘટાડો.
- નિરાશાવાદી વલણ.
- ચીડિયાપણું.
- ગુસ્સો
- સફળતા પછી પણ આનંદ ના થવો
- કોઈ ગિલ્ટમાં જીવવું
કારણો
- 1મગજના રસસ્ત્રાવો:- મગજનાં રસાયણો કુદરતી રીતે ઉત્પન્ન થાય છે જે દરેક આવેગ, માનસિક રોગમાં ભૂમિકા ભજવે છે. સંશોધનો અનુસાર ન્યુરોટ્રાન્સમીટરની ગરબડ આ અસ્થિરતા ઉતપન્ન કરે છે ખાસ સિરોટોનીનની ભૂમિકા હોય છે
- 2 જૈવિક તફાવતો:- સતત ડિપ્રેસિવ ડિસઓર્ડરવાળા લોકોના મગજમાં શારીરિક પરિવર્તન આવી શકે છે. આ ફેરફારોનું મહત્વ હજી પણ અનિશ્ચિત છે, પરંતુ આખરે તે કારણોને નિર્ધારિત કરવામાં મદદ કરી શકે છે.
- 3 વારસાગત કારણ:- સતત ડિપ્રેસિવ ડિસઓર્ડર એવા લોકોમાં સામાન્ય રીતે જોવા મળે છે જેમના લોહીના સંબંધીઓમાં પણ આ સ્થિતિ હોય છે.
- 4 જીવનની ઘટનાઓ:- કોઈ પ્રિયજનની ખોટ, આર્થિક સમસ્યાઓ અથવા ઉચ્ચ સ્તરના તણાવ જેવી આઘાતજનક ઘટનાઓ કેટલાક લોકોમાં ડાયસ્થેમિયાનું કારણ બની શકે છે.
શું છે આ માનસિક કષ્ટ?
- માનવી નું સૌથી મોટું ધ્યેય કે ઈચ્છા પોતાની ખુશી હોય છે. માનવી પોતાની ખુશી માટે ઘણા પ્રયત્નો કર્યા કરે છે. 21મી સદી માં માનવી પોતે ખુશ રહેવા અનેક સંસાધનો, મશીનો વગેરે ભૌતિક સાધનો વિકસાવી લીધા પણ છતાં માનવી સાથે સાથે આ આધુનિક સમૃદ્ધિની ઘેલછામાં ક્યાંક ને ક્યાંક માનસિક રોગ નો શિકાર બન્યો છે.
- બાળક જ્યારે શાળા એ જાય ત્યારે તેને શિક્ષણનું મહત્વ સમજાવી અમુક સમય પછી એક વિચાર નાખવામાં આવે કે ભણતર પૂરું થઈ જાય પછી બધી ખુશી મળી જ જાય છે. નોકરી મળી જાય પછી , સફળતા મળી જાય પછી, લગ્ન થઈ જાય પછી જીવન ખુશ ખુશાલ બની જાય છે.
- પણ અમુક વ્યક્તિના જીવન માં શાળા, કોલેજ, વ્યવસાય, લગ્ન જીવન બધુ જ પ્રાપ્ત થઈ ગયું હોવા છતાં પોતે એક ખુશી કે આનંદ નો અનુભવ કરી શકતો નથી. ઘણી વ્યક્તિ પાસે ખૂબ સફળતા છે એકદમ આર્થિક સધ્ધરતા છે પણ તે વ્યક્તિ પોતે જરા પણ ખુશી નો અનુભવ કરી શકતો ના હોય તો તે ડાયસ્થેમિયાનો શીકાર બની શક્યો હોય છે.
- આવા લોકોના જીવન માં બધું જ પ્રાપ્ત થયેલું હોય છે છતાં તેઓ માણી શકતા નથી, ક્યારેય હસતાં , નાચતા , આનંદ માં જોવા મળતા નથી. ઘણા લોકો તેમને ” દુ:ખી આત્મા” તરીકે બોલાવે છે.