અર્જુન તેંડુલકરે 2.5 ઓવરમાં 18 રન આપીને ભુવનેશ્વર કુમારની વિકેટ લીધી:પિતાએ ખાસ બેજ પહેરાવી સન્માન કર્યું
ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર આ દિવસોમાં ચર્ચામાં છે. અર્જુને હાલમાં જ આઈપીએલમાં ડેબ્યૂ કર્યું છે. તેણે પોતાની બીજી મેચમાં પહેલો શિકાર લીધો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તેણે છેલ્લી ઓવરમાં જે રીતે સમજદારીપૂર્વક બોલિંગ કરી, તેના કારણે દરેક તેના પ્રશંસક બની ગયા છે. હૈદરાબાદને છેલ્લી ઓવરમાં જીતવા માટે 20 રનની જરૂર હતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ આ યુવા બોલર પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અર્જુને પોતાના કેપ્ટનના વિશ્વાસ પર ખરા ઉતર્યો અને માત્ર 5 રન ખર્ચીને ટીમને યાદગાર જીત અપાવી. પુત્રનું આ પ્રદર્શન જોઈને સચિન પણ ઘણો ખુશ થયો. માસ્ટર બ્લાસ્ટરે અર્જુનને એક ખાસ ભેટ આપી છે જેને તે હંમેશા યાદ રાખશે.અર્જુન તેંડુલકરે 2.5 ઓવરમાં 18 રન આપીને ભુવનેશ્વર કુમારની વિકેટ લીધી હતી. જીત બાદ જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ડ્રેસિંગ રૂમમાં પરત ફરી ત્યારે સચિને અર્જુનને બેજ આપ્યો હતો. આ બેજ મુંબઈ ઈન્ડિયન્સના ડ્રેસિંગ રૂમમાં પ્લેયર ઓફ ધ મેચને આપવામાં આવે છે.મુંબઈ ઈન્ડિયન્સે આ વીડિયો પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે 23 વર્ષીય અર્જુન તેંડુલકરને આઇપીએલમાં પદાર્પણ કરવા માટે બે સીઝન રાહ જોવી પડી હતી. ગત વખતે મુંબઈ ઈન્ડિયન્સે તેને ડેબ્યૂ કરવાની તક આપી ન હતી.આઇપીએલની 16મી સિઝનમાં અર્જુન તેંડુલકરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ડેબ્યૂ કર્યું હતું. જોકે તે ડેબ્યૂ મેચમાં માત્ર 2 ઓવર જ ફેંકી શક્યો હતો, પરંતુ તેને કોઈ સફળતા મળી ન હતી.