ગલી ક્રિકેટ રમતા તેંડુલ્યામાંથી ક્રિકેટના ભગવાન બનવા સુધીની સફર
કલાકારો:સચિન તેંડુલકર, અંજલિ તેંડુલકર, મયુરેશ પ્રેમ, અજિત તેંડુલકર, અર્જુન તેંડુલકર, સારા તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, એમ.એસ.ધોની, હર્ષા ભોગલે.
પ્રોડયુસર: કાર્નિવલ મોશન પિકચર્સ
ડાયરેકટર:જેમ્સ એર્સકિન
મ્યુઝિક:એ.આર.રેહમાન
સિનેમા:કોસ્મોપ્લેકસ
રેટિંગ:૫ માંથી ૩ સ્ટાર
સચિન તેંડુલકર લાખોનો લાડીલો સચિન કેમ બન્યો ? બાળપણમાં ગલી ક્રિકેટ રમતો તેંડુલ્યો ક્રિકેટ ગોડ અને ભારત રત્ન કઈ રીતે બન્યો ? તેની સફરની વાત કરતી ફિલ્મ એટલે સચિન ધ મિલિયન ડ્રીમ્સ. ગઈકાલે શુક્રવારે ૨૬મી મેના રોજ કોઈ મોટી ફિલ્મ રીલીઝ થઇ નથી એટલે સચિનની બાયો પીકને સારું ઓપનિંગ મળ્યું છે.
એક સાથે દુનિયાભરમાં ૨૮૦૦ સ્ક્રીન પર રજુ થયેલી આ ફિલ્મ એક બાયો ફીચર છે. જેમાં હીરો-હીરોઈન ખુદ સચિન તેંડુલકર અને અંજલિ તેંડુલકર છે. આ સિવાય સચિનના સંતાનો અર્જુન અને સારા પણ જોવા મળે છે. સચિનનો મોટો ભાઈ અજિત તેંડુલકર પણ આમાં છે.
આ ફિલ્મમાં ફીચર ફિલ્મની જેમ એકશન, ઈમોશન, ડ્રામા, હ્યુમર, કોમેડી ગીત વિગેરે તો નથી પણ ડોકયુમેન્ટરીની માફક સચિન તેંડુલકરની કિલપિંગ બતાવવામાં આવી છે. આ કિલપિંગમાં ઘણી કિલપિંગ એવી છે જે જોયેલી છે તો અમુક હજુ સુધી સામાન્ય દર્શકોએ જોઈ નથી એકંદરે, સચિન સાથે જોડાયેલી ઘણી નવી વાતો આ ફિલ્મ થકી જાણવા મળે છે.
આ ફિલ્મને ઓપનીંગ તો સારું મળ્યું છે. લોકોને પસંદ પણ આવી રહી છે. આમ છતાં આ કોઈ ફીચર ફિલ્મ નથી એટલે બિઝનેશની દ્રષ્ટિએ તે બોકસ ઓફિસ પર ટકી નહીં શકે. આ ફિલ્મનું એક નબળુ પાસુ એ છે કે જાણીતા કોમેન્ટેટર હર્ષા ભોગલે સિવાય ફિલ્મમાં સચિને જ વોઈસ ઓવર કર્યું છે. આ સિવાય સચિનની ફેરવેલ સ્પીચવાળું દ્રશ્ય દર્શકોની આંખો ભીંજવી જાય છે. સચિનની બાયો પીકની તુલના એમ એસ ધોનીની ફિલ્મ સાથે થઈ રહી છે. જો કે, ધોનીની બાયો પીક એક ફીચર ફિલ્મ હતી. જેમાં ધોનીની ભૂમિકા સુશાંત સિંઘ રાજપૂતે ભજવી હતી.
સચિને ટીમ ઈન્ડિયા માટે ફિલ્મના સ્પેશ્યલ શોનું આયોજન કર્યું હતું. સચિનના પ્રશંસકોને તો આ ફિલ્મ ગમશે જ. આ સિવાયના પેઢીના ક્રિકેટ રસિકોને પણ ફિલ્મ ગમશે.