પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી લેખમાળા
માંડૂક્ય ઉપનિષદ કહે છે, ‘સત્યમેવ જયતે’ અર્થાત – ‘સત્યનો જ જય થાય છે.’ મહાભારત કહે છે, ‘સત્યં હિ પરમં બલમ’ અર્થાત- ‘સત્ય જ સૌથી મોટું બળ છે.’ ગરૂડમહાપુરાણ કહે છે, ‘વ્રતાનાં સત્યમુત્તમમ’ અર્થાત – દરેક પ્રકારના વ્રતોમાં સત્ય બોલવું એ શ્રેષ્ઠ વ્રત છે.’
‘સત્ય’ વિષેની આવી કંઈક કેટલીય વિભાવનાઓ આપણા શાસ્ત્રોએ કરી છે.
આ ધરાતલ ઉપર સમયે સમયે અવતરેલા મહાપુરુષોનાં જીવનમાં મન-કર્મ-વચને પૂર્ણ અર્થમાં સત્યનું અખંડિત સાતત્ય જોવા મળે છે. સચ્ચાઈનું નૂર જેવું તેઓના હૈયામાં હોય છે તેવો જ સચ્ચાઈનો સૂર તેઓની વાણીથી વહે છે.
મનુષ્યના જીવનમાંથી જ્યારે ‘સચ્ચાઈ’ વિષેના સ્પષ્ટ અને સત્વશીલ વિચારોનું ધોવાણ થાય છે ત્યારે ‘અસત્ય’ની સાહજીક વર્તણૂંક તેના જીવનનો જાણે પર્યાય બની જાય છે.
એકવાર એક ભાઈ નોકરી શોધવા નીકળ્યા. એક શેઠને ત્યાં અરજ કરી. શેઠે પૂછપરછ આદરી. ‘દારૂ પીવો છો?’ – ‘ના’ – ‘ચોરીની ટેવ છે?’ – ‘ના’ – ‘ધૂમ્રપાન કરો છો?’ – ‘ના’ – ‘કપટ કે બ્હાનાબાજી કરો છો?’ – ‘ના, બિલકુલ નહીં !’ શેઠ અચંબામાં પડી ગયા, એકપણ બૂરી આદત નહીં ! શેઠે વિચારીને પૂછ્યું, ‘તમારામાં એકપણ બૂરી આદત નથી?’ – પેલા ભાઈ શાંતિથી કહે.’ એક જ બૂરી આદત છે. મને જૂઠું બોલવાની ટેવ છે. એ વિના કાંઈ નહીં.’
‘સત્ય’ વિષે વાંચવું, વિચારવું અને તે વિષે વ્યાખ્યાનો આપવા એ સારી બાબત છે, જ્યારે ‘સત્ય’ને વર્તનમાં-વ્યવહારમાં સહજ બનાવવું તે વધુ ઊંચી અને શ્રેષ્ઠ બાબત છે. એટલે જ કહેવાયું છે કે, ‘કહેણી મીસરી ખાંડ હે, રહેણી તાતા લોહ, કહેણી કહે અને રહેણી રહે એસા વિરલા કોક.’
શ્રીમદ્ ભાગવતમાં શ્રીવેદ વ્યાસજીએ એકાદશ સ્કંધમાં ભાગવત સંતના ત્રીસ લક્ષણો લખ્યા છે. જેમાનું એક એટલે ‘સચ્ચાઈ.’ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં સત્યનિષ્ઠા એ કક્ષાની હતી કે જેમાં કોઈ બેવડાં ધોરણો નો’તા. તેઓની સચ્ચાઈ સો ટચની હતી. ‘સત્ય’ વિષે ક્યારેય સમાધાન ન કરવું તે પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની સહજ લાક્ષણિકતા હતી. ન હોય તેવું ઉપજાવીને છાપ પાડી દેવી એવો દંભીલો દેખાવ તેઓમાં જોવા ન મળે. કોઈ અંધ પણ તેઓના વ્યક્તિત્વની પારદર્શિતાને જોઈ- જાણી શકે તેવું નિર્દભપણું એ તેઓની સ્વાભાવિક ઓળખાણ હતી. તેઓ ઘણીવાર કહેતા, ‘મને દંભ પહેલેથી જ ગમે નહીં.’
એકવાર તેઓ સમક્ષ એક પુસ્તકનું વાંચન થઈ રહેલું. જેમાં તેઓની જ ‘સમત્વ’ ભાવનાનો એક પ્રસંગ વંચાયો કે, ઈ.સ.1994માં દિલ્હીમાં ગુજરાત વિહાર ખાતે સંસ્થાનું પ્રથમ મંદિર થયું તે ઉત્સવમાં પ્રમુખસ્વામી મહારાજે સુરેન્દ્રનગરના ધનજીભાઈને યાદ કરતા પૂછ્યું, ‘હજી સુધી ધનજી કેમ દેખાયો નથી?’ તે સમયે કોઈને તેની ભાળ ન્હોતી. ધનજીનું સરનામું શોધાવી તેને બોલાવવા એક કાર્યકર્તાને મોકલ્યા.
આ પ્રસંગ વર્ણવીને અંતે લેખનકર્તાએ પ્રસંગની ગુણગરિમા જણાવતા લખેલું કે, ‘એક તરફ દિલ્હીના મંધાતાઓ પ્રમુખસ્વામી મહારાજના દર્શને આવી રહ્યા હતા તો બીજી તરફ તેઓ એક સમાન્ય વ્યક્તિને પણ સામેથી યાદ કરીને બોલાવી રહ્યા હતા.’
આ સાંભળતા જ પ્રમુખસ્વામી મહારાજે સહજ રીતે સ્પષ્ટતા કરી કે, ‘આપણે તો સુરેન્દ્રનગરનું એનું મકાન લેવાનું હતું તેથી બોલાવ્યો હતો.’
એક ચિંતકે લખ્યું છે કે, ‘ઈિં’ંત ક્ષજ્ઞિં યફતુ જ્ઞિં મજ્ઞ વિંય શિલવિં વિંશક્ષલ ૂવયક્ષ ક્ષજ્ઞ જ્ઞક્ષય બીિં ુજ્ઞી ફહજ્ઞક્ષ ૂશહહ સક્ષજ્ઞૂ.’ – ‘તમારા સિવાય કોઈને જાણ ન થવાની હોય ત્યારે પણ જે સાચું હોય તે જ કરવું તે સહેલું નથી.’
અંતર અત્યંત નિર્મળ અને નિર્દભ હોય ત્યારે જ આવો ઘટસ્ફોટ થઈ શકે. અન્યથા સામે ચાલીને આવેલી ક્રેડિટની કમાણી કોઈ તરછોડે નહીં. સત્ય કહેવામાં અને સ્વીકારવામાં તેઓએ ક્યારેય નાનપ અનુભવી નથી.
મહાભારતના શાંતિપર્વમાં વ્યાસજી સત્યની એક સર્વોત્તમ અને સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા કરતા લખે છે. ‘યદ્ભૂતહિતમ- અત્યન્તમેતત્સત્યં પરં મતમ’ અર્થાત – ‘જે પ્રાણીમાત્રનું અત્યંત હિત કરે તે પરમ સત્ય છે.’
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના આચાર, વિચાર કે ઉચ્ચારમાં ક્યારેય કોઈનુંય અહિત થાય એવા અંશમાત્રનું અસ્તિત્વ કોઈએ નોંધ્યું નથી. તેઓની પ્રાર્થનાનો પ્રધાન સૂર પણ હંમેશા અન્યના હિતનો જ રહેતો.
ઈ.સ.1999માં તેઓ પોતાની વિદેશ ધર્મયાત્રા દરમ્યાન ઈઝરાયેલના જેરુસલેમ પધારેલા. અહીંના પ્રસિદ્ધ અને પવિત્ર મનાતા સ્થાન એવા ‘વેઈલિંગ વોલ’ પાસે તેઓ પધાર્યા. આ સ્થાને તેઓએ ભગવાનના પ્રાસાદિક પુષ્પો ચઢાવી પ્રાર્થના કરી કે, ‘અહીં જે કોઈ આવે તે સૌનું ભલું થાય.’
પ્રમુખસ્વામી મહારાજની પરહીત ભાવનાને ક્યારેય-ક્યાંય પણ લૂણો લાગ્યો નથી, પછી તે ગેરસમજણથી દોરવાયેલો વિરોધી હોય કે અજ્ઞાનના આવેશમાં ઉતરી આવેલો આતંકવાદી કેમ ન હોય! તેઓના મનમાં કોઈના વિષે લેશ પણ દ્વેષ બંધાયો નથી.
તેઓની હંમેશા એક જીવનભાવના રહેલી કે, ‘બીજાના ભલામાં આપણું ભલું. બીજાના સુખમાં આપણું સુખ અને બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ.’
આવો, આવા મહાપુરૂષના પગલે આપણે પણ તેઓના જેવી શુદ્ધ સુવર્ણમયી ‘સચ્ચાઈ’ને આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ