હિતેશ રાવલ, સાબરકાંઠા: કોરોના મહામારીને પગલે કેટલાય લોકોના માનસિક સ્વાસ્થય ઉપર ગંભીર અસરો થઇ છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા કોરોના મહામારીને પગલે માનસિક રીત અસ્વસ્થ બનેલા લોકો માટે એક સુવિધા શરૂ કરી છે. આ સુવિધામાં સાબરકાંઠા જિલ્લામાં વસતા તમામ વડીલોને કોઈપણ સહાયતાની જરૂરિયાત પડે તો ‘એક કોલ કાફી હૈ’નું સૂત્ર સાર્થક કરી રાજ્ય પોલીસ માટે નવીન પહેલ કરી છે.

કોરોના મહામારીમાં એકલા રહેતા વડીલો તેમજ એકલવાયું જીવન જીવનારા લોકો માટે સાબરકાંઠા જિલ્લા પોલીસે એક નંબર જાહેર કર્યું છે. જે અંતર્ગત તેઓ કોઈપણ પ્રકારની સલાહ,સહાયતા અને મદદ માટે 246733 નંબર ઉપરથી મેળવી શકશે. આવો પ્રયાસ કરનાર સાબરકાંઠા જિલ્લા પોલીસ સમગ્ર ગુજરાતમાં પ્રથમ છે. જેને સિનિયર સિટીઝનથી લઇ માનસિક તાણ અનુભવી રહેલા વ્યક્તિઓને તમામ પ્રકારની સુવિધાઓ એક કોલ થકી પૂરી પાડવાનો પ્રયાસ કર્યો છે. જેના પગલે કેટલાય લોકોના જીવન બદલાયા છે તેમજ હતાશામાંથી બહાર આવી આજે સંપૂર્ણ સ્વસ્થ બની જીવન જીવી રહ્યા છે.

આ સેવા શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદેશ્ય છે કે, ‘કોઈને પણ એકલતાનો અનુભવ ના થાય. કોરોના મહામારીએ એક માનસિક બીમારી ફેલાવી છે. જેનો શિકાર ઘણા લોકો થયા છે. તેથી કોઈ આડું-આવડતું પગલું ના ભરે અને સાથે કોઈ જરૂરિયાત ઉભી થાય તો તેને સંતોષવા માટે આ સેવા શરૂ કરવામાં આવી છે.’

કોરોના મહામારીની સૌથી વિઘાતક અસર માનવીના માનસિક સ્વાસ્થ્ય સાથે થઈ છે. એક તરફ ધંધા-રોજગારમાં ભારે ખોટ ઊભી થવાની સાથોસાથ સામાજિક સંબંધોમાં પણ વિરોધાભાસ ઉભો થતા વિવિધ સમસ્યાઓ સામે આવી છે. જેમાં સતત વિરોધાભાસ થવાને પગલે માનસિક તાણ અનુભવે છે. જેમાં વધારો થતાં કોઈપણ વ્યક્તિ આપઘાતના વિચારો તરફ પ્રેરાય છે. જોકે આવી સ્થિતિમાં પણ તેનું કાઉન્સલીંગ થાય તો મોટી સમસ્યા સર્જાતા પહેલા વ્યક્તિ માનસિકતામાંથી બહાર આવી જાય છે. જોકે ક્યારેક ક્યારેક સામાન્ય બાબતે કેટલાય લોકો આપઘાત કરી લેતા હોય છે. તેથી આવું ના બંને તે માટે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આ વધાવા લાયક કામગીરી કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.