સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાડા ત્રણ લાખથી વધુ પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા દુધના પ્રતિ કિલો ફેટે રૂ. 20 નો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે ર1 જાન્યુઆરીથી ભાવ વધારો લાગુ પડશે. જેને લઇને દુધ મંડળીઓમાં પરિપત્રો જારી કરી દેવામાં આવ્યાં છે. આગામી ર1મી જાન્યુઆરીથી ભેંસના દુધનો પ્રતિ કિલો ફેટનો ભાવ 800 રૂપિયા તથા ગાયના દૂધના ભાવ સમતુલ્ય કિલો ફેટના રૂપિયા 765 મુજબ ગણતા રૂપિયા 347 રહેશે.
જેને લઇને સાડા ત્રણ લાખ પશુપાલકોને લાભ થશે દુધ ઉત્પાદનમાં વધારો થાય તેમ જ વધુને વધુ દુધના વ્યવસાય સાથે પશુપાલકો જોડાઇને આર્થિક વિકાસ હાંસલ કરી શકે તે હેતુથી પશુપાલકોને ચુકવવામાં આવતા કામ ચલાઉ દુધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે વધુ માહીતી આપતા સાબર ડેરીના એમ.પી.ઓ. વિઘાગના એમ.એન. પટેલે જણાવ્યું હતું કે, 21મી જાન્યુઆરીથી પ્રતિ કિલો ફેટે ભેંસના દૂધમાં રૂપિયા 20નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ભેંસના દૂધનો ભાવ દર પશુપાલકોને 800 લેખે ચુકવવામાં આવશે.
આ ઉપરાંત 5.0 થી 5.9 ફેટ ટકા અને 8.5 થી 8.9 એસએનએફવાળા દુધના દર કિલો ફેટના રૂપિયા 760 પ્રમાણે ચુકવવામાં આવશે ઉપરોકત ધોરણ કરતા નીચા પ્રકારના હલકા તથા ખાટા દુધના નાણા સંઘમાં આવેલા સારા દુધના ભાવના 25 ટકાના દરે ચુકવવામાં આવશે.
ગત બોર્ડમાં પ્રતિ કિલો ફેટે રૂ. 20નો વધારો કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. જેને લઇને સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની દુધ મંડળીમાં પરિપત્ર કરી દેવાયો છે. તો 21જાન્યુઆરીથી પ્રતિ કિલો ફેટે ભાવ વધારો લાગુ પડશે આ વર્ષના પ્રારંભ પ્રથમવાર ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.