હિતેશ રાવલ – સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ગામમાં કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલેને અપમાનિત કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સરકારી કાર્યક્રમના નિમંત્રણ કાર્ડમાં પ્રોટોકોલ પ્રમાણે તેમનુ નામ લખવામાં ન આવતા ધારાસભ્ય આકરા પાણીએ થયા છે. તેમણે આ વાતની જાણ લેખિતમાં કરીને જણાવ્યુ કે ભવિષ્યમાં જો આવી કોઈ પણ બાબતનું પુનરાવર્તન થશે તો પ્રભારીમંત્રી હોય કે જિલ્લાના વડાને જૂતાનો હાર પહેરાવવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો હતો.
અશ્વિન કોટવાલ દ્વારા એવા આક્ષેપ મૂકવામાં આવ્યા છે તેમણે આમંત્રણ તો અપાય છે પરંતુ આમંત્રણ કાર્ડમાં તેમનું નામ લખાતું નથી તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે કે કાર્યક્રમ પૂરો થયા પછી બીજા દિવસે આમંત્રણ કાર્ડ અપાય છે. તંત્રના આવા કૃત્યના કારણે અશ્વિન કોટવાલ રોષે ભરાયા છે.
વધુમાં તેમણે કહ્યું છે કે, તંત્ર દ્વારા વારંવાર આવું થઈ રહ્યું છે સંવિધાનની ઉપરવટ જઇને પ્રોટોકોલનો ભંગ કરવાનો કોઈ પણ વ્યક્તિને અધિકાર નથી જો આવી પ્રવૃત્તિ આમને આમ ચાલુ રહેશે અને મને વારંવાર અપમાનિત કરવામાં આવશે તો પ્રભારીમંત્રી હોય કે જિલ્લાના વડા એમને જૂતાનો હાર પહેરાવવાની ફરજ પડશે.