હિતેશ રાવલ -સાબરકાંઠા: હાલ સમગ્ર ભારતમાં વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે. સરકાર દ્વારા વધુમાં વધુ લોકો રસી લે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક તરફ લોકો રસી લેવા માટે જાગૃત થઈ રહ્યા છે તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી કેન્દ્રો પર રસીના ડોઝ પૂરા થઈ જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જીલ્લાના રસીકરણ કેંન્દ્રમાં તાળાં લાગ્યા હોવાની ઘટના સામે આવી છે.
સાબરકાંઠા જીલ્લામાં ઠેર-ઠેર રસીકરણ માટેના બોર્ડ લગાવવામાં આવ્યા છે ત્યારે હિંમતનગરમાં રસીના ડોઝ ખૂટી જવાની વાત સામે આવતા લોકોમાં નિરાશા જોવા મળી છે. તંત્ર દ્વારા રસી લેવા માટે જોર-શોરથી જાહેરાત કરાઈ હતી અને હવે કેન્દ્રમાં જ તાળાં ? જિલ્લામાં આજે રસીકેન્દ્રોમાં ફરી તાળા લાગ્યા છે.
સાબરકાંઠામાં આરોગ્ય વિભાગ દ્વારા રસીના સ્ટોક અંગની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. ગુજરાતમાં બીજા ઘણા સ્થળોએ પણ રસીના ડોઝ ખૂટી જવાની ઘટના બની છે. લોકો રસીકરણ કેન્દ્રમાં લાગેલા તાળાં જોઈને ઘરે પાછા ફરે છે. હિંમતનગરમાં રસી લેવા આવતા લોકોને ધરમના ધક્કા ખાવા જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. આ વાતને તંત્રની બેદરકારી પણ કહી શકાય. જો રસીના ડોઝ પૂરા જ થઈ ગયા હોય તો લોકોને જાણ કરવી આવશ્યક છે.