સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ખારી બીડી ગામે 20 દિવસ અગાઉ બે યુવકને માર મરાયાની ઘટના બની હતી. જમીનના મર્કિંગ બાબતે ફોરેસ્ટ વિભાગના કેટલાક કર્મચારીઑએ બે યુવકોને ગામમાંથી ઉપાડી જઇ ધોલવાણી રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં ઢોરમાર માર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આ ઘટના વિરુદ્ધ સમસ્ત જિલ્લાના આદિવાસી સમાજમાં ખૂબ રોષ પ્રવર્તયો છે. એમાં પણ 20 દિવસ પછી પણ આ બાબતે પોલીસ ફરિયાદ ના લેવાતા મામલો વધુ ગરમાયો છે. પીડિત યુવકોને ન્યાય મળે અને જવાબદાર અધિકારીઓને સજા થાય તેવી ઉગ્ર માંગ ઉઠી છે. આ મુદ્દાને લઈ ગઈકાલે ખારી બીડી ગામે આદિવાસી સમાજની પ્રથમ મહાપંચાયત યોજાઈ હતી. જેમાં આદિવાસી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા.
આદિવાસી સમાજની મહાપંચાયતને લઈ સાબરકાંઠા જિલ્લા પોલીસ નો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. સમગ્ર પંથક પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયું હતું. આદિવાસી સમાજના અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આવનારા ૪૮ કલાકની અંદરમાં સાબરકાંઠા પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી નહીં કરે તો સમગ્ર આદિવાસી સમાજ સાબરકાંઠા જિલ્લા વડા પોલીસ કચેરીએ આંદોલન કરશે.
જુઓ વિડીયો…
સમાજના આગેવાનોની હાજરીમાં પ્રથમ મહાસભા યોજાઈ. જેમાં આદિવાસી સમાજના આગેવાન અને દેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ આડકતરી રીતે ભાજપ- કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું કે આ વિસ્તારમાં આદિવાસી સમાજના ધારાસભ્ય અને સાંસદ પણ છે તેમ છતાં કોઈએ આ પીડિત પરિવારની પડખે આવવાની કોશિશ પણ કરી નથી. જણાવી દઈએ કે આ વિસ્તારના ધારાસભ્ય અસ્વીન કોટવાડ તેમજ સાંસદ રમીલાબેન બારા છે જેમની પર આદિવાસી સમાજના આગેવાનોએ નિશાન તાક્યું હતું. અને ઘટનાનો રોષ ઠાલવ્યો હતો.
પીડિત યુવાનના જણાવ્યા અનુસાર તેને ફોરેસ્ટના કર્મચારીઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો જેને લઇ તેને ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના બીજા દિવસે ગામના આગેવાનો સાથે વિજયનગર પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા હતા પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ ના લેવાતા તેઓએ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવ્યુ હતું પરંતુ કાર્યવાહી ન થતા બાદમાં ફરીથી ઇડર ડી.વાય.એસ.પી કચેરી ખાતે લેખિતમાં જવાબ લેવાયો તેમ છતાં ફરિયાદ ના લેવાતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા લના આદિવાસી સમાજના યુવકો દ્વારા ખારી બીડી ગામે આદિવાસી મહાપંચાયતનું આયોજન કરાયું છે. આગેવાનોએ જણાવ્યું કે સમાજને એકત્રિત કરવાના હેતુથી આજે ખારી બીડી ગામે સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે. અને પીડિત યુવાનોને ન્યાય મળે તે માટે સમાજ એકત્રિત થઈ સાથ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કારવામાં આવ્યો.