હિતેશ રાવલ-સાબરકાંઠા:

તાઉતે વાવઝોડાએ ગુજરાત સહિત પશ્ચિમઘાટના રાજ્યોમાં તાંડવ મચાવી મોટું સંકટ ઊભું કરી દીધું હતું. ભારે પવન સાથેના વરસાદે ક્યાંક મસમોટા વૃક્ષોને ધરાશાયી કર્યા છે તો ક્યાંક વીજપોલ પડી ભાંગ્યા છે તો ક્યાંક મકાનો ધરાશાયી થયા છે. જો કે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રના આગોતરા આયોજન અને સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી છે. ત્યારે સાબરકાંઠામાં તાઉતેના તાંડવની વાત કરીએ તો આગોતરા આયોજન – અગમચેતીના સહિયારા સક્રિય પ્રયાસો અને લોકોના સહાકારથી જિલ્લામાં બે દિવસથી સર્જાયેલી કુદરતી પરિસ્થતિનો હિમંતભેર સામનો કરાયો છે. આ અંગે તંત્ર દ્વારા જણાવાયું છે કે વાવાઝોડા સામે રીસ્ટોરેશન અને રાહત કામગીરી ત્વરીત હાથ ધરીને નુકશાની સહાય અને જનજીવન સામાન્ય કરવાના કામે રેવન્યુ, પંચાયત, આરોગ્ય, પોલીસ, નગરપાલિકા અને ડિઝાસ્ટર વિભાગ તમામ પરિસ્થિતિને પંહોચી વળવા સક્ષમ છે.

સાબરકાંઠા જિલ્લામાં નવનિયુક્ત જિલ્લા કલેકટર હિતશ કોયાએ વહિવટીતંત્ર સાથે સતત સંપર્ક કરી મોટી જાનહાનિ ટાળવા તંત્રને માર્ગદર્શન આપ્યું છે અને જુદા જુદા વિભાગો દ્વારા થયેલી કામગીરીનો સતત તાગ મેળવી રહ્યા છે. જિલ્લાના શહેરી વિસ્તાર તેમજ હાઇવે પરના ભયજનક હોર્ડિગ્સ દૂર કરવાની કામગીરીથી લઇ વરસાદી પાણીના નિકાલ માટે ગટરોની સફાઇ તેમજ પાણી ભરાવાવાળા વિસ્તારોમાં ખાસ સફાઇ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા તમામ તાલુકા મથકે તેમજ ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કેન્દ્રોમાં વીજપ્રવાહ સતત જળવાય રહે તે માટે જનરેટર સેટ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સજ્જ રાખવા સૂચના અપાઇ છે.

WhatsApp Image 2021 05 19 at 17.41.35

સાબરકાંઠાના જે વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થયા હોય તેને પૂર્વવત કરી વીજપુરવઠો કાર્યન્વિત કરાયો છે. જયારે હાઇવે તેમજ ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાઓ પર ઝાડ પડી ગયા હોય તેને દૂર કરી રસ્તોઓને ખુલ્લા કરી ટ્રાફિક સમસ્યાને દૂર કરવામાં આવી છે. તો વળી નગરપાલિકા વિસ્તારમાં લોકોને માઇક દ્વારા અગમચેતી જાળવવાની સૂચના પણ આપવામાં આવી છે. જિલ્લા-તાલુકા મથકે ડિઝાસ્ટર કંટ્રોલરૂમ કાર્યરત કરી કર્મચારીઓને ફરજ પર તૈનાત કરાયા છે. જિલ્લા કલેકટર હિતેષ કોયા દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદાર સાથે બેઠકો યોજીને જિલ્લામાં મોટી જાનહાનિ ટાળી શકાય તે માટે સતત માર્ગદર્શિત કર્યા છે. જેમાં જે વિસ્તારોમાં વાવાઝોડાથી નુકશાન થવાની ભીતિ હોય તેવા લોકોનુ નજીકની પ્રાથમિક શાળામાં કે અન્ય જગ્યાએ સ્થળાતંર કરાયું છે.

જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે પવન સાથે વરસાદ થવાથી જિલ્લા છૂટુછવાયુ નુકશાન જોવા મળી રહ્યુ છે. જેમાં હિંમતનગરમાં ૪, ખેડબ્રહ્મામાં ૫, પ્રાંતિજમાં ૬, વિજયનગરમાં ૩ અને વડાલીમાં એક મળી કુલ ૧૯ પશુઓના મરણ નોંધાયા છે. તો વળી જિલ્લામાં વાવાઝેાડાને લઇ ૧૨૨ કાચા મકાનોને આંશિક નુકશાન થયુ છે. જેમાં હિંમતનગરના ૪૧, પ્રાંતિજના ૩૫, તલોદના ૪૨, વિજયનગરના બે અને ખેડબ્રહ્મા-વડાલીના એક-એક કાચા મકાનનો સમાવેશ થાય છે. તો હિંમતનગર શહેરી વિસ્તારના એક કાચા મકાનને નુકશાન થયું છે. જિલ્લામાં ભારે પવન અને વરસાદને કારણે ૮૭ ઝાડ ધરાશાયી થયા હતા જેને હટાવી રસ્તાઓને ખુલ્લા કરવામાં આવ્યા છે. તો જિલ્લામાં ૪૩ જેટલા વીજપોલ પડી જતા વીજપ્રવાહની સમસ્યા ન સર્જાય તે માટે પૂર્વવત કરાયા છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.