હિતેશ રાવલ, સાબરકાંઠા:

ઘણી વાર તંત્રના અણધડ વહીવટને કારણે પ્રજાએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ અહી તો પોતાના અણધડ વહીવટને કારણે ખુદ તંત્ર જ ફસાઈ ગયું છે. સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકાનું વઘુ એકવાર નાક કપાયું છે. કોઈ ગ્રાહક વીજ બિલ ભરવામાં વિલંબ કરે અથવા તો ખૂબ લાંબા સમયથી ભરે નહીં તો તેઓના વીજ જોડાણ કપાઈ જાય છે પણ અહી તો પ્રાંતિજ નગરપાલિકાનું જ વીજ જોડાણ કપાઈ ગયું છે. લોકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડતી પાલિકા જ વીજ વગરની બની છે..!!

પ્રાંતિજ નગરપાલિકા કચેરીનું ઈલેક્ટ્રિસિટી કનેક્શન કપાયું હોય તેવી કાઈ આ પ્રથમ ઘટના નથી. સાત મહિનામાં સ્ટ્રીટ લાઈટનું બીજી વખત કનેક્શન કપાયું છે. પ્રાંતિજ નગરપાલિકાએ છેલ્લા સાત સાત મહિનાથી બિલ ન ભરતા યુજીવીસીએલ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. સાત મહિનાનું રૂપિયા ૨૭ લાખ બિલ પાલિકાએ ભર્યું નથી.

આ અંગે સંબધિત અધિકારીએ જણાવ્યુ છે કે સાત વાર નોટિસ આપ્યા બાદ પણ બિલનું ચૂકવણું કરવામાં આવ્યું નથી. વીજ વિભાગ દ્વારા જાણ કરાતાં છ્તા પાલિકા તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ બિલ અંગે દરકાર લીધી નથી. ત્યારે આ અંગે યુ.જી.વી.સી.એલ અધિકારી દ્વારા કડક પગલા ભરાતા સ્થાનિક વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.