હિતેશ રાવલ, સાબરકાંઠા:
લંકેશ તરીકે વિશ્વભરમાં જાણીતા બનેલા ગુજરાતી રંગમંચના ભીષ્મ ગણાતા અરવિંદ ત્રિવેદીની તેમના વતન ઈડરમાં સ્મરણાંજલિ યોજાઈ હતી. જેમાં અરવિંદ ત્રિવેદીના પરિવાર સહિત સાબરકાંઠા જિલ્લાના સહકાર, સરકાર અને ગુજરાતી નાટ્ય મંચ સાથે જોડાયેલ શહેરીજનો તેમજ ખુબ મોટી સંખ્યામાં સ્થાનિકોએ ઉપસ્થિત રહી અરવિંદ ત્રિવેદીના સંસ્મરણો વાગોળ્યા હતા.
સાબરકાંઠાના ઈડર તાલુકાના કુકડીયા ગામના વતની સ્વ.અરવિંદ ત્રિવેદીએ સામાન્ય પરિવારમાંથી આવતા હોવાની સાથોસાથ નાટય મંડળીથી જીવનની શરૂઆત કરી હોવાને પગલે જીવનમાં તડકો છાયો સારી રીતે સમજ્યા હતા તેમજ જમીન સાથે જોડાયેલા હોવાને પગલે દરેક વ્યક્તિ માટે પોતાના બની રહ્યા હતા. અરવિંદ ત્રિવેદીએ 300થી વધારે ફિલ્મો નાટકો તેમજ કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. જો કે સૌથી વિશેષ રામાયણમાં રાવણના પાત્રથી જગપ્રસિદ્ધ બન્યા હતા.
અરવિંદ ત્રિવેદીએ પોતાના વતન એવા કુકડીયા ગામની ગુજરાતી ફિલ્મ જગતમાં અમર બની રહે તે માટે ‘દાદાને વ્હાલી દીકરી’ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પોતાના ગામમાં જ કર્યું હતું. જો કે અભિનય ક્ષેત્રે અરવિંદ ત્રિવેદીએ નામના મેળવ્યા બાદ સાબરકાંઠામાં લોકસભા સાંસદ પણ બન્યા હતા. આ વિશેષ પ્રસિદ્ધિને પગલે અરવિંદ ત્રિવેદીએ ક્યારેય વિશેષ હોવાનો આડંબર કર્યો ન હતો જેના પગલે સૌ કોઈના લાડલા બન્યા હતા. મુંબઈના કાંદિવલી ખાતે 83 વર્ષની ઉંમરે નિધન થયા બાદ આજે ઇડર ખાતે યોજાયેલી સ્મરણાંજલિ સભામાં મોટી સંખ્યામાં તેમના ચાહકો સહિત સ્થાનિક કક્ષાએથી લઈ જિલ્લા કક્ષા સુધીના નેતાઓ-અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. જેમાં પૂર્વ સાંસદથી લઈ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ સુધીના લોકોએ હાજરી આપી હતી.
આ તબક્કે સ્વ. અરવિંદ ત્રિવેદીના પરિવારજનો સહિત સ્થાનિક અગ્રણીઓએ તેમના સંસ્મરણો વાગોળી અરવિંદ ત્રિવેદીને રંગ કે સહિત માનવજીવનના સાચા હીરો ગણાવ્યા હતા. પ્રાથના સભામાં આવનાર દરેક માટે લંકેશ રાવણ વિરચિત શિવતાંડવઃ સ્તોત્ર તથા શંકરાચાર્ય રચિત અન્નપૂર્ણા સ્તોત્ર પુસ્તક અપાયું હતું. આ તકે ધારાસભ્ય હિતુ કનોડિયાએ કહ્યું કે અમુક કલાકારો લીજેન્ડ હોય છે, મોટીવેશનલ હોય છે. રામાયણમાં રાવણનું પાત્ર ભજવી તેમણે માત્ર ભારત જ નહિ સમગ્ર વિશ્વમાં નામ ગુંજતું કર્યું છે. એમના પાસેથી એમને જોઈને મે ઘણું બધું શીખ્યું છે. મારા સદભાગ્ય છે કે એક કલાકાર અને એક રાજકારણી તરીકે મને ઘણી પ્રેરણા મળી છે.