હિતેશ રાવલ, સાબરકાંઠાઃ કોરોના મહામારીને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યના અનેક ક્ષેત્રના સરકારી કર્મચારીઓના પણ મૃત્યુ થયા હતા. સાબરકાંઠાના ઇડરમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા કર્મીઓ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સહકર્મીઓ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. અહીં કર્મચારીઓનું કહેવું છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનાં 200 જેટલા કર્મચારીએ કોરોનાની વૈશ્વિક મહામારીમાં ચાલુ ફરજે પોતાનો જીવ ગુમાવ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં ચાલુ ફરજ દરમિયાન ૭ જેટલા કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનાં કર્મચારી પોતાની અને પોતાના પરિવાર ચિંતા કર્યા વગર રાત દિવસ પોતાની ફરજ બજાવતા બજાવતા કોરોના સામે જંગ હાર્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મુત્યુ પામનાર કર્મચારીના પરિવાર ને કોઈ આર્થિક સહાય અથવા મદદ કરવામાં આવે તેવી વિનંતી સાથે ઇડર એસટી ડેપોનાં કર્મચારીઓએ કોરોના સામે જંગ હારી મૃત્યુ પામેલા કર્મચારીઓને શ્રધાંજલિ અર્પણ કરી બે મિનિટનું મોન પાડ્યું હતું.
એસટીના કર્મચારીઓનું કહેવું છે કે મહામારી દરમિયાન મુસાફરો એક ગામથી અન્ય ગામ પહોંચાડતા ગુજરાત એસટી નિગમનાં કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરવામાં આવે અને મળવા પાત્ર લાભની મંજુરી રાજ્ય સરકાર તરફથી ઝડપમાં આપવામાં આવે.