હિતેશ રાવલ, સાબરકાંઠા: કોરોનાની બીજી લહેરે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે વધી રહેલા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે સ્વૈચ્છિક લોકડાઉન શરૂ થઇ રહ્યું છે. ત્યારે આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ બાદ હવે ઇડરમાં આવતીકાલથી 8 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરત કરવામાં આવી છે.
કોરોના મહામારી કાબુમાં લેવા માટે હવે સ્વૈચ્છિક લોકડાઉનની શરૂઆત થઇ છે. જેના પગલે હિંમતનગર, પ્રાંતિજ બાદ હવે ઇડરપ્રાંત કચેરીએ વેપારી મંડળ અને તંત્ર સાથેની મીટિંગમાં 8 દિવસ સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિકોએ પણ આ નિર્ણયનું સમર્થન કર્યું છે. જેના પગલે આવતી કાલથી આગમી 5 મે સુધી ઇડર તાલુકામા કડક લોકડાઉન અમલવારી કરવાની રહેશે. જાકે, દૂધ પાર્લરને માત્ર સવારે 6થી 8 અને સાજે 5થી 7 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી છે અને સાથે મેડિકલ સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, કોરોનાના કેસ ત્રણ લાખને પાર નોંધાયા હોય એવો વિશ્વનો એકમાત્ર દેશ અત્યાર સુધી અમેરિકા હતો તેને પણ પાછળ છોડી ભારતે નવો વિક્રમ સર્જયો છે. દેશમાં કોરોનાની આ ગતિ અતિ ખતરનાક સાબિત થઈ રહી છે. દેશમાં સૌથી વધુ ભયંકર સ્થિતિ મહારાષ્ટ્રની છે ત્યાર બાદ ઉત્તર પ્રદેશ અને કર્ણાટક આવે છે. મહારાષ્ટ્ર 66191 કેસ નોંધાયા છે. 30 હજારથી 40 હજારની વચ્ચે કેસ નોંધાઈ રહ્યા હોય તેવા ઉત્તર પ્રદેશ અને કર્ણાટક રાજ્ય છે. જ્યારે 20 હજારથી 30 હજારની વચ્ચે કેસ નોંધાયા હોય તેવા કેરળ અને દિલ્હી છે પરંતુ હાલ રાજધાની દિલ્હીની પણ પરિસ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી છે.