કાયદાથી સામાજીક રૂઢીમાં પરિવર્તન શકય?
સબરીમાલા મંદિરમાં સ્ત્રીઓના પ્રવેશની તરફેણ કરતો ઐતિહાસિક ચૂકાદો વડી અદાલતે આપ્યા બાદ આજે કેરળમાં આવેલા સબરીમાલા મંદિરના દ્વાર ખુલ્યા છે. મંદિરમાં મહિલાના પ્રવેશને લઈ સંસ્થાઓ દ્વારા થતો વિરોધ હિંસક રૂપ ધારણ ન કરે તે માટે તંત્ર સક્રિય બની ચૂકયું છે અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહિલાઓ માટે દ્વાર ખુલ્લા કરાયાની સાથે જ કેરળમાં ભારે અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.
મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ મળશે તો આત્મહત્યા કરવા સહિતની ધમકીઓ આપવામાં આવી છે. ત્યારે કાયદાથી સામાજીક રૂઢીમાં પરિવર્તન છે કે કેમ ? તે અંગે દલીલ શરૂ થઈ છે. સુપ્રીમ કોર્ટે સમાજ સુધારાને લગતા ઘણા મહત્વના ચૂકાદા અત્યાર સુધીમાં આપ્યા છે. જેમાં કેટલાક ચૂકાદા એવા છે કે જેને સમાજ હજુ સુધી પચાવી શકયો નથી. વર્તમાન સમયનો સબરીમાલા મંદિરનો ચુકાદો આ મામલાનું તાજુ ઉદાહરણ છે.
થોડા સમય પહેલા મલીયાલમ સીનેમાના અભિનેતા થુલાસીએ સબરીમાલા મંદિરમાં પ્રવેશનાર મહિલાના બે કટકા કરી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ શિવસેનાના નેતાએ પણ વડી અદાલતનો ચૂકાદો સ્વીકાર્ય ન હોય ૫૦ લોકો સામૂહિક આત્મહત્યા કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. આવી ધમકીઓ પરથી સમાજની સુધારા સ્વીકારવાની માનસીકતા છતી થઈ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ભારતના સંવિધાન મુજબ ધર્મ, જાતિ, સમાજ કે લીંગના આધારે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ રાખી શકાય નહીં. જેના પરિણામે વડી અદાલતે સબરીમાલા મંદિરમાં કોઈ પણ ઉમરની મહિલાના પ્રવેશને મંજૂરી આપી છે. પરંતુ આ ચુકાદો કેટલાક લોકો સ્વીકારી રહ્યાં નથી. પરિણામે આજે ઉગ્ર વિરોધ વચ્ચે સબરીમાલા મંદિરના દ્વાર તમામ ઉમરની મહિલાઓ માટે ખુલ્યા છે. પરંતુ મહિલા શ્રધ્ધાળુઓને અટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડી અદાલત તરફથી પૂજાનો અધિકાર મળ્યા બાદ કેરળ સબરીમાલા મંદિર આજે ખુલ્યું છે. જો કે, પૂજા માટે મહિલાઓ પહોંચે નહીં તે માટે મંદિરથી ૨૦ કિ.મી. દૂર નાકાબંધી કરવામાં આવી હતી.
સ્થિતિ તનાવપૂર્ણ છે. જો કે બીજી તરફ કેરળના મુખ્યમંત્રી પી.વિજયને કહ્યું છે કે, રાજય સરકાર વડી અદાલતના ચૂકાદા વિરુધ્ધ પૂન: વિચાર માટે અરજી નહીં કરે. મહિલાઓને બળજબરીપૂર્વક રોકવામાં આવતી હોવાના આક્ષેપ અંગે તેમણે કહ્યું હતું કે, જેઓ મહિલાઓને મંદિરમાં પ્રવેશતી અટકાવશે તેમની સામે કાર્યવાહી થશે.
અહીં ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા મુખ્ય ન્યાયધીશની આગેવાનીમાં જસ્ટીસ આર.એફ.નરીમાન, જસ્ટીસ એ.એન.ખાનવીલકર, જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડ અને જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રાની પાંચ ન્યાયધીશની ખંડપીઠે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશની મંજૂરી આપતો ચૂકાદો આપ્યો હતો.
અગાઉ સબરીમાલા મંદિરમાં ૧૦ થી ૫૦ વર્ષની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો જેને લઈ વડી અદાલતમાં અરજી થઈ હતી. વડી અદાલતે મહિલાઓના પ્રવેશને મંજૂરી આપ્યા બાદ મહિલાઓ મંદિરમાં પ્રવેશે તો આત્મહત્યા સહિતની ચિમકીઓ ઉચ્ચારાઈ હતી. આજે મંદિરના દ્વાર ખુલતા જ કેરળમાં ભારેલી અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.