જાત મહેનત જિંદાબાદ એ યુક્તિને સાર્થક કરી, વિસાવદરના ધારાસભ્યના પ્રોત્સાહન અને સહકાર મેળવી જીઈબીના અધિકારીઓ, કર્મચારીઓને મદદરૂપ થઈ વીજ જોડાણ ઝડપથી પૂર્વવત થાાય તે માટે વિસાવદર પંથકના ખેડૂતોએ જાતે જ થાંભલા ઊભા કરવામાં જોતરાય ચૂક્યા છે.
ગત 17 તારીખે આવેલા વાવાઝોડાની તબાહીએ હજારો વિજપોલના થાંભલા પાડી દીધા હતા, ન માત્ર ખેતીવાડી પરંતુ ગ્રામ્ય વિભાગમાં પણ અંધારપટ છવાઇ ગયો હતો, ત્યારે વીજ તંત્રે ગામડાઓમાં જ્યોતિ ગ્રામ વીજ પુરવઠો શરૂ કરી દીધી છે પરંતુ ખેતરોની સ્થિતિ હજુ પણ પહેલા જેવી છે.
એક વાત મુજબ વીજ તંત્રમાં જે સ્ટાફ અને મજૂરોની સંખ્યા છે તે પ્રમાણે એક મહિના સુધી વિસાવદરના ગ્રામ્ય વિસ્તારોના ખેતીવાડી ફિડરોમાં વીજ જોડાણ આવે એ શક્ય નથી. બીજી બાજુ વિસાવદરના ખેડૂતોને બાર દિવસથી ખેતીવાડીમાં વીજળી મળતી નથી. અને પાક સુકાઈ રહ્યા છે.
એવામાં વિસાવદર તાલુકાના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ ખેડૂતોને સમજાવતા ધારાસભ્ય હર્ષદભાઇ, ત્રીસ-પાંત્રીસ ખેડૂતો અને એક – બે જીઇબીના કર્મચારીઓની મદદથી ખેતરોના પડેલા વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો ચાર-પાંચ કિલોમીટર દૂરથી થાંભલા લઈને આવે છે, જાતે ખાડા પાડે છે અને થાંભલા ઉભા કરે છે. પોતાનું કામ સરળ થાય તેના માટે ખેડૂતોએ જાતે જ આ કામને પૂર્ણ કર્યું હતું.
આ સમયે વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા સતત સાથે રહ્યા હતા અને તેમણે પણ એક ખેડૂત પુત્ર તરીકે પોતાના મતદાર નહીં પરંતુ ખેડૂત ભાઈની મદદ માટે ખભે ખભો મિલાવી પૂરી મહેનત કરી તેમના વિસ્તારના લોકોને વીજ પુરવઠો મળે તે માટે ખડેપગે રહ્યા હતા.