સૌરાષ્ટ્ર તરફ જતી વિમાની સેવા પુન: શરૂ થઈ
વાયુ વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રમાં એસ.ટી.બસના પૈડા અને ટ્રેનોના પૈડા થંભી ગયા હતા. હજુ આજે પણ સૌરાષ્ટ્ર તરફ જતી એસ.ટી.બસ અને 15 જેટલી ટ્રેનો રદ્દ કરવામાં આવી. અગાઉ પશ્ર્ચિમ રેલવેએ ગુજરાતના વિવિધ રૂટની 110 ટ્રેનો રદ્દ કરી હતી. આ ઉપરાંત પોરબંદર, દિવ, ભાવનગર, કંડલા વિસ્તારમાં વિમાની સેવા પણ બંધ કરી હતી. જો કે, હવે વાવાઝોડાનો ખતરો ટળતા આજે સવારથી ફરી એકવાર હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ એરપોર્ટ ઓર્થોરીટી ઓફ ઈન્ડિયાની સમીક્ષા બાદ હવાઈ સેવા ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો જેમાં કેશોદ અને કંડલા એરપોર્ટ પર ગત રાત્રે 12 વાગ્યાથી રૂટ શરૂ કરાયા છે તો ભાવનગર એરપોર્ટ પર સવારે 6 વાગ્યાથી વિમાની સેવા શરૂ કરાઈ છે જયારે દિવ અને પોરબંદર એરપોર્ટ પર આજે સવારે 11 વાગ્યાથી વિમાની સેવા શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઓરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ વાયુ વાવાઝોડાના સંકટને લઈ પોરબંદર, દિવ, ભાવનગર, કંડલા વિસ્તારમાં હવાઈ સેવા બંધ કરી દીધી હતી. હવે સંકટ દૂર થતાં ફરીથી વિમાની સેવા શરૂ કરવામાં આવી છે.
હજુ પણ સૌરાષ્ટ્રના યાત્રાધામ અને દરિયાકાંઠાના વિસ્તારમાં જનારી એસ.ટી. બસોના રૂટ પણ રદ્દ કરવામાં આવ્યા છે. એસ.ટી.ના રૂટ રદ્દ થતા રાજકોટ એસ.ટી ડિવિઝનને 8 લાખ જેટલી ખોટ પડી છે. હજુ આજ રાત સુધી તમામ એસટીના રૂટ બંધ જ રહેશે. અને ટ્રેનોની વાત કરવામાં આવે તો આજે સતત ત્રીજા દિવસે વાયુ વાવાઝોડાના પગલે 15 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે જેમાં ટ્રેન નં.59422 સોમનાથ-રાજકોટ, 59423 રાજકોટ-સોમનાથ, 19569 રાજકોટ-વેરાવળ, 19570 વેરાવળ-રાજકોટ, 19120 સોમનાથ-અમદાવાદ, 59507 રાજકોટ-સોમનાથ, 59508 સોમનાથ-રાજકોટ, 59212 પોરબંદર-રાજકોટ, 59211 રાજકોટ-પોરબંદર, 59206 પોરબંદર-કાનાલુસ, 59205 કાનાલુસ-પોરબંદર, 19571 રાજકોટ-પોરબંદર, 19572 પોરબંદર-રાજકોટ, 22958 વેરાવળ-અમદાવાદ અને 59552 ઓખા-રાજકોટ સહિતની 15 ટ્રેનોના રૂટ રદ્દ કરવામાં આવ્યા છે.