કુવાડવા પોલીસ મથક પાસેથી એસએમસીએ નકલી દારૂની મીની ફેક્ટરી પકડતા કાર્યવાહી કરાઇ
કુવાડવા રોડ પોલીસ મથકની નજીકથી ઝડપાયેલી અંગ્રેજી દારૂની નકલી ફેકટરીના પ્રકરણમાં સ્થાનિક પીઆઈ કે.એન.ચૌધરીની બેદરકારી ગણી તેને ડીજીપીએ સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા પોલીસ બેડામાં ચકચાર મચી ગયો છે. ગઈ તા.૨૭મી ડીસેમ્બરે સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે કુવાડવા પોલીસ મથકના ૨૦૦ મીટરના અંતરે આવેલા શેડમાં દરોડો પાડી ત્યાંથી નકલી અંગ્રેજી દારૂ બનાવવાની મિનિ ફેકટરી ઝડપી લીધી હતી.
જેમાં શેડમાંથી અસલી અંગ્રેજી દારૂનો જથ્થો પણ મળ્યો હતો. એસએમસીએ કુલ રૂા.૬.૯૪ લાખનો નકલી અને અસલી અંગ્રેજી દારૂનો જથ્થો કબ્જે કરી કુલ-૨ આરોપીઓને ઝડપી લીધા હતા. મુખ્ય બુટલેગર હસમુખ નરેનભાઈ શાકોરીયાનું નામ ખુલતા તેને ફરાર દર્શાવાયો હતો.
એસએમસીની તપાસમાં એવું પણ ખુલ્યું હતું કે છેલ્લા બે માસથી નકલી અંગ્રેજી દારૂની ફેકટરી ધમધમતી હતી. આ ઉપરાંત શેડમાંથી અંગ્રેજી દારૂ પણ સપ્લાય થતો હતો. સ્થળ કુવાડવા રોડ પોલીસ મથકથી ૨૦૦ મીટર દુર હતું, અને છેલ્લા બે માસથી અસલી-નકલી અંગ્રેજી દારૂનો વેપાલો થતો હોવા છતાં સ્થાનિક પોલીસને તેની ગંધ નહી આવતા એસએમસીએ ડીજીપીને આકરો રીપોર્ટ કર્યો હતો. જેના પગલે ડીજીપીએ સ્થાનિક પીઆઈ ચૌધરીને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.
આ પ્રકરણમાં બેદરકારી સબબ સસ્પેન્શનનો હુકમ કરવામાં આવ્યો છે. એસએમસી દ્વારા જયારે પણ કવોલીટી કેસ થાય ત્યારે નિયમ મુજબ સ્થાનિક પોલીસની ભુમિકાની ચકાસણી માટે એસીપી કે ડીવાયએસપી રેન્કના અધિકારી પાસે ઈન્કવાયરી કરાવાય છે.આ કિસ્સામાં પણ સ્થાનિક અધિકારીઓ દ્વારા એસીપીને ઈન્કવાયરી સોંપવામાં આવી હતી. પરંતુ આજ સુધી કોઈ નક્કર પગલા નહી લેવાતા ડીજીપી દ્વારા સસ્પેન્શનનો હુકમ કરવામાં આવ્યો હતો. હાલ એસએમસીના ડીવાયએસપી કે.ટી.કામરીયા આ પ્રકરણની ઈન્કવાયરી કરશે. જેમાં કોઈ પીએસઆઈ કે પોલીસમેનોની સંડોવણી કે બેદરકારી છે કે કેમ તેની માહિતી મેળવી આગળની કાર્યવાહી હાથધરવામાં આવશે.