વિશ્વ બેંકે બેલારૂસ અને રશિયામાં તેના તમામ પ્રોજેક્ટ બંધ કરવાની જાહેરાત કરી
યુક્રેન પર રશિયાનો હુમલો સતત આઠમા દિવસે પણ ચાલુ છે. પુતિનની સેનાએ રાજધાની કિવને ઘેરી લીધી છે. થોડા કલાકો પહેલાં જ સેનાએ કિવના એક રેલવે સ્ટેશન પર મિસાઈલ છોડી હતી. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો છે, જ્યારે લોકોને સ્ટેશનથી રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા હતા. રશિયન સેનાએ ખેરસોન શહેર પર પણ કબજો કરી લીધો છે. રશિયા પછી, ખેરસોનના મેયર ઇગોર કોલ્યખેવે પુષ્ટિ કરી છે કે રશિયન સૈનિકોએ બંદર શહેર પર કબજો કરી લીધો છે, જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની ઓફિસે એક નિવેદન આપ્યું છે કે લડાઈ હજુ પણ ચાલુ છે.
સંયુક્ત રાષ્ટ્રના હાઈ કમિશનર ફુલિપો ગ્રાંડીએ ટ્વીટ કર્યું હતુ કે, માત્ર સાત દિવસમાં જ અમે યુક્રેનના 10 લાખ શરણાર્થીઓને પડોશી દેશોમાં હિજરત કરતા જોયા છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર, રશિયાના હુમલામાં યુક્રેનમાં અત્યારસુધીમાં 752 નાગરિકોનાં મોત થયાં છે. આ આંકડો 1 માર્ચ સુધીનો જણાવવામાં આવી રહ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે યુક્રેનમાં થયેલા વિનાશની તપાસ શરૂ કરી છે. કોર્ટે કહ્યું કે આ રીતે લોકોને શિકાર બનાવવા સામે તપાસ અને કાર્યવાહી જરૂરી છે. યુક્રેન પર રશિયાના હુમલાને જોતાં વિશ્વ બેંકે બેલારુસ અને રશિયામાં તેના તમામ પ્રોજેક્ટ બંધ કરી દીધા છે. યુદ્ધમાં રશિયાને સાથ આપવા બદલ બેલારુસ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાએ યુક્રેનને 100થી વધુ એન્ટી એરક્રાફ્ટ સ્ટિંગર મિસાઈલ આપી છે. શસ્ત્રો પૂરાં પાડવાના પ્રશ્ન પર અમેરિકાની સરકારે કહ્યું હતું કે યુક્રેનને હજુ પણ રક્ષણાત્મક સાધનોની જરૂર છે.યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન પોલેન્ડ, મોલ્ડોવા અને બેલ્જિયમની મુલાકાત લેશે. અમેરિકી રક્ષા વિભાગે આ માહિતી આપી છે.