Abtak Media Google News

પશ્ચિમી તટ ઉપર રૂ. 4 લાખ કરોડના રોકાણ સાથે ગ્રીનફિલ્ડ રિફાઇનરી સ્થાપવાની તૈયારી

અબતક, નવી દિલ્હી : રશિયાની સૌથી મોટી તેલ ઉત્પાદક કંપની રોઝનેફ્ટ સ્થાનિક સરકારી માલિકીની રિફાઈનર સાથે સંયુક્ત સાહસમાં ભારતમાં ગ્રીનફિલ્ડ રિફાઈનરીનું નિર્માણ કરી શકે છે. આ માટે દેશના પશ્ચિમી તટ ઉપરની જગ્યા પસંદ કરવામાં આવનાર હોવાનું જાહેર કરાયું છે. આ ઉપરાંત અંદાજે 4 લાખ કરોડ જેટલું રોકાણ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

રશિયન ફર્મે ભારતમાં એક નવા પ્રોજેક્ટ અંગે ભારતીય સરકારી અધિકારીઓ અને સરકારી રિફાઇનર્સ સાથે પ્રારંભિક ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે. રોસનેફ્ટના જણાવ્યા અનુસાર, ઉત્પાદનથી લઈને પેટ્રોલિયમ ઉત્પાદનોના રિફાઈનિંગ અને વેચાણ સુધીની સમગ્ર તકનીકી સાંકળમાં ભારતીય કંપનીઓ સાથે એક અભિન્ન સ્વરૂપમાં સહકાર વિકસાવવામાં આવી રહ્યો છે.

કંપનીએ જણાવ્યું હતું કે તેનો હેતુ “ભારતીય ભાગીદારો સાથે સહયોગ વધારવાનો છે” અને ઉમેર્યું હતું કે કંપનીની ચોક્કસ યોજનાઓની વિગતો પછીથી જાહેર કરવામાં આવશે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે ઈન્ડિયન ઓઈલ, એચપીસીએલ અને બીપીસીએલ સંયુક્ત સાહસ માટે સંભવિત ઉમેદવારો હોઈ શકે છે.

રોઝનેફ્ટે ભારતમાં તેલનો પુરવઠો વધારવા અને તેલના ગ્રેડમાં વૈવિધ્ય લાવવા માટે ઈન્ડિયન ઓઈલ કંપની સાથે ટર્મ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યાના મહિનાઓ બાદ આ જાણકારી જાહેર થઈ છે.  રોઝનેફ્ટના સીઇઓ ઇગોર સેચીન દ્વારા ભારતની કાર્યકારી મુલાકાત દરમિયાન બંને કંપનીઓ વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.