મેઈક ઈન ઈન્ડિયા પ્રોગ્રામમાં સામેલ થવા રશિયન કંપની મિગની તૈયારી
ભારતીય નેવી હજારો કરોડના ખર્ચે લડાકુ વિમાન મિગ-૨૯ કે ખરીદવા ઈચ્છી રહી છે. આ વિમાનના નિર્માણ માટે રશિયા ટેકનોલોજી ટ્રાન્સફર કરાર માટે તૈયાર થયું છે. રશિયા ભારતીય કંપનીઓ સાથે મળી મિગ-૨૯ કેનું નિર્માણ કરવા ઈચ્છે છે.
લડાકુ વિમાન બનાવનાર રશિયન કંપની મિગના સીઈઓ ઈયા ટરાસેન્કોએ કહ્યું હતું કે, ભારતીય કંપની સાથે મળી વિમાન બનાવવા મુદ્દે ટૂંક સમયમાં મોદી સરકારને દરખાસ્ત કરવામાં આવશે. લાંબાગાળાના સહયોગના કરાર માટે હાલ મિગ વીકલ્પો તપાસી રહ્યું છે. રશિયન કંપની ભારતીય કંપનીઓ સાથે મળી શસ્ત્રોનું ઉત્પાદન કરવા તૈયાર છે. જેનાથી સરકારના અતિ મહત્વકાંક્ષી પ્રોજેકટ મેઈક ઈન ઈન્ડિયાને વેગ મળશે.
ગત જાન્યુઆરી મહિનામાં ભારતીય નેવીએ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફટ માટે વૈશ્ર્વિક મીલીટરી જેટ મેકર્સ તરફ નજર દોડાવી હતી. હાલ આ મુદ્દે રફાલ (ડેસાર્લ્ટ, ફ્રાન્સ), એફ-૧૮ સુપર વોર્નેટ (બોઈંગ, અમેરિકા), મિગ-૨૯ કે (રશિયા), એફ-૩૫-બી અને એફ-૩૫-સી (લોકહિડમાર્ટીને, અમેરિકા), ગ્રીપેન (સાબ, સ્વીડન) સહિતના એરક્રાફટ વચ્ચે સ્પર્ધા છે. જેમાંથી એફ-૧૮, રફાલ અને મિગ-૨૯ કે ટવીન એન્જીન જેટ છે.
રશિયા ભારતનું પરંપરાગત શસ્ત્રો પહોંચાડનાર સહાયક રહ્યું છે. ચાલુ વર્ષે જ સંરક્ષણ મંત્રી અરૂણ જેટલી રશિયાના પ્રવાસે ગયા હતા. જયાં સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી ટ્રાન્સફર મુદ્દે વાટાઘાટો થઈ હતી. હાલ મિગ-૨૯ કે ભારતીય નેવી માટે લડાકુ વિમાન તરીકે શ્રેષ્ઠ વિકલ્પ ગણવામાં આવે છે. જેનું કારણ એ પણ છે કે આ વિમાનો સમુદ્ર જમીન અને હવાઈ ક્ષેત્રે બહોળી મારક ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત આ વિમાનનો ઉપયોગ તાજેતરમાં સીરીયા તેમજ રશિયાના સૈન્ય અભ્યાસમાં પણ થઈ ચૂકયો છે. બીજી તરફ અમેરિકાની કંપનીએ એફ-૧૮ સુપર વોર્નેટ ભારતમાં બનાવી આપવાની તૈયારી પણ બતાવી છે. આ બન્ને વચ્ચે ભારતીય નેવીમાં સામેલ થવા ખરાખરીની સ્પર્ધા છે.