રશિયાએ અત્યાર સુધીની ઘાતક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. હાયપરસોનિક ક્રુઝ મિસાઇલ ઝિર્કોનનું પરીક્ષણ બેરન્ટ સમુદ્રમાં કરવામાં આવ્યું હતું. આ મિસાઇલે અવાજ કરતા આઠ ગણી વધુ ઝડપે 450 કિમીનું અંતર કાપ્યું હતું.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને ઝિર્કોન મિસાઇલના સફળ પરીક્ષણની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે રશિયાએ મોટી સફળતા હાંસલ કરી છે.
4.5 મિનિટમાં 450 કિ.મી અંતર કાપ્યું
આ હાયપરસોનિક મિસાઇલની રેન્જ 450 કિ.મી. હતી. આ મિસાઇલ લગભગ 28 કિલોમીટરની ઊંચાઈથી ઉડાન ભરી હતી અને 4.5. મિનિટમાં મિનિટમાં 450 કિલોમીટરનું અંતર કાપીને તેના લક્ષ્ય સુધી પહોંચી હતી. મહત્ત્વની વાત એ છે કે રશિયા હાલમાં મિસાઇલમાં ટેકનોલોજી મામલે મોખરે છે. રશિયાએ સંવેદનશીલ વિસ્તારોમાં ઝિર્કોન મિસાઇલો તૈનાત કરવાનું શરૂ કર્યું છે.
નિષ્ણાતોના મતે આવી હાયપરસોનિક મિસાઇલને રોકવા માટે કોઈ રસ્તો નથી. આ મિસાઈલ નિશ્ચિત લક્ષ્ય તરફ એટલી ઝડપે આગળ વધે છે કે દુશ્મનને તૈયારી કરવાની તક મળતી નથી. આ મિસાઈલ કોઈ નિશ્ચિત ટ્રેક ધરાવતી નથી. આને કારણે, લક્ષ્યને ખબર નથી હોતી કે તેના પર હુમલો થશે.
એસ -500 સિવાય કંઈ રોકી શકે નહીં
આ શસ્ત્રને રશિયાની અત્યાધુનિક એસ -500 સંરક્ષણ સિસ્ટમ સિવાય બીજું કોઈ રોકી શકે નહીં. યુનાઇટેડ સ્ટેટ્સ પણ રશિયા અને ચીન સાથે સ્પર્ધા કરવા માટે આવા હથિયારનું ઉત્પાદન કરી રહ્યું છે. તાજેતરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા ટૂંક સમયમાં આવા હથિયાર બનાવશે. તેમને તેનું નામ સુપર-ડુપર મિસાઇલ રાખ્યું છે.