બન્ને વચ્ચેની હથિયારોની ડિલ અનેક દેશો ઉપર જોખમો વધારી દેશે
એક તરફ ભારત વસુધૈવ કુંટુંબકમના સૂત્ર સાથે વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે સતત આગળ વધી રહ્યું છે. તેવામાં જી 20નું પ્રમુખ પદ મળતા ભારતનું આ સૂત્ર વિશ્વભરમાં ગુંજી રહ્યું છે. તો બીજી તરફ હવે રશિયા અને ઉત્તર કોરિયા હથિયારો માટે એક થઈ રહ્યા હોવાના પણ દાવાઓ સામે આવતા વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે.
આખું વિશ્વ કોરોના બાદ રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત પણ વિશ્વમાં પર્યાવરણ સહિતના અનેક મુદ્દે માનવ જાતિની રક્ષા માટે લાંબી લડત ચાલુ કરવાની છે. તેવામાં એકબીજા દેશોના અંદરો અંદરના ઝઘડાઓ ચરમશીમાએ પહોંચી ગયા છે.રશિયા-યુક્રેન યુદ્ધ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં એક નવો વણાંક સામે આવી રહ્યા છે. રશિયા યુદ્ધ માટે કિમ જોંગ ઉન પાસેથી સૈન્ય હથિયારોની ડીલ કરી શકે છે. વાત એવી છે કે, ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિ કિમ જોંગ ઉન ટૂંક સમયમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મૂલાકાત કરવા રશિયા જઈ શકે છે. અમેરિકી અધિકારીના દાવા અનુસાર, આ મૂલાકાત દરમિયાન રશિયા ક્રેમલિન યુક્રેનમાં યુદ્ધ માટે કિમ જોંગ પાસેથી સૈન્ય હથિયારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ અંગેની માહિતી આપતા અમેરિકી અધિકારીએ જણાવ્યું કે, કિમ જોંગ આ મહિનામાં જ રશિયા સાથે મુલાકાત કરી શકે છે. જો કે તેમણે બેઠક ક્યાં અને ક્યારે થશે તે અંગે કોઈ પુષ્ટિ કરી નથી, પરંતુ ઉત્તર કોરિયા અને રશિયાના બંને નેતાઓ વચ્ચે પેસિફિક પોર્ટ સિટી વ્લાદિવોસ્તોકમાં મુલાકાત થઈ શકે છે.
એજન્સી અનુસાર, નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિન વોટસને જણાવ્યું કે, તાજેતરમા રશિયન ડિફેન્સ મીનીસ્ટર પ્યોંગયાંગના પ્રવાસે ગયા હતા અને આ પ્રવાસ દરમિયાન ઉત્તર કોરિયાએ રશિયા સાથે આર્ટિલરી દારૂગોળોની ડીલને મંજૂર કરવા પ્રયાસ કર્યો હતો.
વોટસને વધુમાં કહ્યું કે, અમારી પાસે માહિતી છે કે કિમ જોંગ ઉન આ ચર્ચાને આગળ વધારવાની આશા રાખે છે, જેમાં રશિયામાં નેતા-સ્તરની રાજદ્વારી ભાગીદારીનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, અમેરિકા ઉત્તર કોરિયાને રશિયા સાથે તેની શસ્ત્ર વાટાઘાટો બંધ કરે અને પ્યોંગયાંગ દ્વારા રશિયાને શસ્ત્રો પૂરા ન પાડવા અને વેચાણ માટે સાર્વજનિક પ્રતિબદ્ધતાઓનું પાલન કરવા વિનંતી કરી હતી.