ફિફાએ રશિયાને આગામી આદેશ સુધી તમામ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્પર્ધાઓમાંથી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. પોલેન્ડ, સ્વીડન જેવા દેશોએ રશિયા સામે ફૂટબોલ મેચ રમવાની ના પાડી હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફિફાએ યુઇએફએ સાથે લાંબી ચર્ચા કર્યા બાદ સોમવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પાડોશી દેશ યુક્રેન પર હુમલો કર્યા બાદ સમગ્ર વિશ્વમાં રશિયાનો વિરોધ થઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ અગાઉથી જ આરઓસીને તેના ધ્વજ હેઠળ પ્રતિસ્પર્ધા કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
તેણે ભલામણ કરી છે કે રશિયન અને બેલારુસના એથ્લેટ્સને કોઈપણ સંગઠિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરવામાં આવે. સોમવારે ફિફા અને યુઇએફએ દ્વારા જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ફિફા અને યુઇએફએ આજે એકસાથે નિર્ણય લીધો છે કે તમામ રશિયન ટીમો, પછી ભલે તે રાષ્ટ્રીય ટીમો હોય કે ક્લબ ટીમો પર આગામી સૂચના સુધી સ્પર્ધાઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. બંને સંસ્થાના પ્રમુખને આશા છે કે યુક્રેનની પરિસ્થિતિમાં નોંધપાત્ર અને ઝડપથી સુધારો થશે જેથી ફૂટબોલની રમત ફરીથી લોકોમાં એકતા અને શાંતિની વાહક બનશે.
રશિયાની ટીમ 24 માર્ચે વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ પ્લે-ઓફ સેમિફાઇનલમાં પોલેન્ડ સામે રમવાની હતી. તે મેચના વિજેતાએ આ વર્ષના અંતમાં કતારમાં યોજાનાર વર્લ્ડ કપમાં સ્થાન મેળવવા માટે 29 માર્ચે સ્વીડન અથવા ચેક રિપબ્લિકનો સામનો કરવાનો હતો. ફિફા વર્લ્ડ કપ કતારમાં 21 નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન યોજાવાનો છે.