સતત ત્રીજે દિવસે કિવ સહિત યુક્રેનના મહત્વના શહેરોમાં વિસ્ફોટો: શાંતિ મંત્રણાના ઉડતા છેદ
યુક્રેનનાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયન સૈનિકો સામે યુદ્ધમાં ઝંપલાવવા નાગરિકોને અપીલ કરી
અબતક, નવી દિલ્હી
યુક્રેન પર રશિયાના હુમલાનો આજે ત્રીજો દિવસ છે. આજે શનિવારે રાજધાની કિવ સહિત યુક્રેનના તમામ મહત્વના શહેરોમાં વિસ્ફોટ થયા છે. રશિયાના સૈનિકો રાજધાની કિવમાં પ્રવેશ્યા છે અને યુક્રેનિયન સૈનિકો સાથે તેમની સામ-સામે લડાઈ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન યુક્રેને 300 રશિયન પેરાટ્રૂપર્સથી ભરેલા 2 વિમાનને તોડી પાડવાનો દાવો કર્યો છે.રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું છે કે રશિયાનો યુક્રેન પર કબજો કરવાનો કોઈ ઈરાદો નથી. જો યુક્રેનિયન સેના આત્મસમર્પણ કરે તો મોસ્કો વાટાઘાટો કરવા તૈયાર છે. યુક્રેનનો દાવો છે કે તેણે રશિયન વિમાનને તોડી પાડ્યું છે. આ લેનમાં 150 રશિયન પેરાટ્રૂપર્સ સવાર હતા. કેટલા માર્યા ગયા અને કેટલા બચ્યા, તે બાબતની માહિતી મળી નથી.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે રશિયન સૈનિકો આજે રાત્રે રાજધાની કિવ પર હુમલો કરે એટલે નાગરિકોને યુદ્ધમાં ઝંપલાવવાની અપીલ કરી હતી.બીજી તરફ બ્રિટને પુતિન અને તેમના વિદેશ મંત્રી સર્ગેઈ લીવરોવની તમામ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. કેનેડા અને યુરોપિયન યુનિયને રશિયાને સ્વીફ્ટ પેમેન્ટ સિસ્ટમમાંથી બહાર કાઢવાની હાકલ કરી છે. ફ્રાન્સે યુક્રેનને 300 મિલિયન યુરો સહાય અને લશ્કરી સાધનો મોકલવાની ઓફર કરી હતી.
બીજી તરફ સતત ત્રીજે દિવસે કિવ સહિત યુક્રેનના મહત્વના શહેરોમાં વિસ્ફોટો થતા શાંતિ મંત્રણાના ઉડતા છેદ નજરે આવી રહ્યા છે. એક તરફ રશિયા યુક્રેનના રાષ્ટ્રપતિને કેદ કરવાની ફિરાકમાં છે. તો અમેરિકા હજુ માત્ર નિવેદનબાજીમાં જ વ્યસ્ત છે.
યુક્રેનની સેનાને સત્તા સોંપવાનો રશિયાનો ચક્રવ્યૂહ
પુતિન હવે યુક્રેનમાં જડમૂડથી ફેરફાર કરવાના પ્રયાસમાં
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે યુક્રેનિયન સૈન્યને દેશમાં સત્તા કબજે કરવા હાકલ કરી છે. પુતિને એક ટીવી ચેનલ પર જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “હું ફરી એકવાર યુક્રેનના સશસ્ત્ર દળોને નિયો-નાઝીઓ અને યુક્રેનિયન કટ્ટરપંથી રાષ્ટ્રવાદીઓ તેમના બાળકો, પત્નીઓ અને વડીલોને ઢાલ બનાવી રહ્યા છે. યુક્રેની સેનાને અપીલ કરું છું તમારા પોતાના હાથમાં સત્તા લો, અમારા માટે સમજૂતી પર પહોંચવું સરળ બનશે. આ દરમિયાન પુતિને પોતાના સૈનિકોની પ્રશંસા કરી અને કહ્યું કે યુક્રેનમાં રશિયન સૈનિકો બહાદુરી અને વીરતાથી પોતાનું કામ કરી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેઓ પહેલાથી જ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના પ્રસ્તાવ પર રશિયન રાષ્ટ્રપતિ પુતિન પાસે એક પ્રતિનિધિમંડળ મોકલવા માટે રાજી થઈ ગયા છે.
આ મંત્રણા મિન્સ્કમાં થશે, જેને બેલારુસની આર્થિક રાજધાની કહેવામાં આવે છે. રશિયાની માન્યતા ધરાવતી ન્યૂઝ એજન્સી આરટીએ આ માહિતી સાર્વજનિક કરી છે. નોંધપાત્ર રીતે, મિન્સ્કમાં જ, પૂર્વી યુક્રેનમાં રશિયા તરફી બળવાખોરો અને યુક્રેનિયન સેના વચ્ચે લોહિયાળ સંઘર્ષ પછી 2014 અને 2015 માં બે કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રશિયા, યુક્રેન, જર્મની અને ફ્રાન્સના નેતાઓની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ હેઠળ, રશિયા તરફી અલગતાવાદીઓના કબજામાં રહેલા વિસ્તારોમાં શાંતિ પુન:સ્થાપિત કરવા માટે પગલાં લેવાના હતા.
રશિયન સેનાએ શહેરોમાં કબ્જો કર્યો પણ નાગરિકોને હાનિ નથી પહોંચાડાય
રશિયા યુક્રેનના રાષ્ટ્રપતિને કેદ કરવાની ફિરાકમાં, અમેરિકા હજુ માત્ર નિવેદનબાજીમાં જ વ્યસ્ત
ભારતીય વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે અનેક શહેરોમાં રશિયન સેનાના જવાનોએ કબ્જો કરી લીધો છે. તેઓએ શહેરમાં છવાઈ જઈને બંદોબસ્ત ગોઠવ્યો છે. પણ આ સેના યુક્રેનના નાગરિકોને હાનિ પહોંચાડી રહી નથી. હાલ નાગરિકોને માત્ર હવાઈ હુમલાનો જ ડર છે. બાકી સેના તરફથી નાગરિકો ઉપર કોઈ જોખમ નથી. આ વાત યુક્રેનમાં ફસાયેલી મોરબીની એક વિદ્યાર્થીનીએ પણ તેના પરિવારને કહી હતી.