વાડાના પ્રતિબંધ બાદ ચાર વર્ષ સુધી રશિયા એક પણ આંતરરાષ્ટ્રીય રમત ગમત સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે
વર્લ્ડ એન્ટી ડોપિંગ એજેન્સી (વાડા)એ ગઈકાલે રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. જેથી રશિયા હવે ૨૦૨૦ ટોક્યો ઓલિમ્પિક અને ૨૦૨૨માં કતારમાં યોજાનારા ફૂટબોલ વર્લ્ડ કપ સહિત કોઈપણ રમત-ગમત સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહીં. વાડાની કમિટીએ કહ્યું કે, રશિયા પર આરોપ હતો કે તે ડોપ ટેસ્ટ માટે એથ્લીટ્સના ખોટા સેમ્પલ મોકલી રહ્યું હતું. તપાસમાં સામે આવ્યું હતું કે, રશિયાએ સેમ્પલ્સમાં છેડછાડ કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે મોસ્કોએ પોઝિટિવ ડોપિંગ ટેસ્ટ સંબંધિત ફાઈલો પણ ડીલીટ કરી હતી.
વાડાના અધિકારીએ કહ્યું કે, રશિયા પર પ્રતિબંધનો નિર્ણય આખી કમિટીનો હતો અને દરેક સદસ્ય આની તરફેણમાં હતું. સ્વિત્ઝર્લેન્ડમાં વાડાની ૧૨ સદસ્યની કમિટીએ રશિયા વિરુદ્ધ પ્રતિબંધનો પ્રસ્તાવ કર્યો હતો. રશિયાની એન્ટી ડોપિંગ એજેન્સીના પ્રમુખ યૂરી ગાનસે પ્રતિબંધની જાણકારી આપી હતી. વાડાના નિયમ અનુસાર જે ખેલાડીઓ ડોપિંગના આરોપી નથી તેઓ તટસ્ ખેલાડી તરીકે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઇ શકશે. રશિયાના સત્તાધીશોએ આ નિર્ણયને ખોટો કહ્યો છે અને જો તેઓ અપીલ કરે તો આ કેસ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (સીએએસ) પાસે જશે.