50 હજાર કે તેથી વધુ બાકી વેરો ધરાવનારા રિઢા બાકીદારોને ઘેર જઇ રૂબરૂ અપાતી ડિમાન્ડ નોટિસ
ચાલુ વર્ષે કોર્પોરેશનની વેરા વસૂલાત શાખાને રૂ.340 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ પુરૂં થવાના હવે આડે માત્ર ત્રણ મહિના બાકી રહ્યાં છે. અત્યાર સુધીમાં 218 કરોડની વસૂલાત થવા પામી છે. ચૂંટણીની કામગીરીમાંથી મુક્ત થતાંની સાથે જ કોર્પોરેશને ફરી વેરા વસૂલાતની કામગીરી પર ફોક્સ વધારી દીધું છે. હાલ 50 હજાર કે તેથી વધુનો બાકી વેરો ધરાવતાં રિઢા બાકીદારોને ધડાધડ બીલની બજવણી કરવામાં આવી રહી છે. જાન્યુઆરી માસથી હાર્ડ રિક્વરીનો દોર શરૂ કરવામાં આવશે.
રૂ.340 કરોડના લક્ષ્યાંક સામે વેરા વળતર યોજનાના અમલ સહિત 9 માસમાં માત્ર 218 કરોડની વસૂલાત થવા પામી છે. ટેક્સના ટાર્ગેટને હાંસલ કરવા માટે આજથી જ રોજ એક કરોડની વસૂલાત કરવી જરૂરી બની જવા પામી છે. વિધાનસભાની ચૂંટણીમાં ટેક્સ બ્રાન્ચના મોટાભાગના સ્ટાફને રોકી દેવામાં આવ્યો હોવાના કારણે ટેક્સ રિક્વરીની કામગીરી ખોરંભે ચડી જવા પામી હતી. દરમિયાન હવે ચૂંટણીની કામગીરીમાંથી મુક્ત થતાંની સાથે જ કોર્પોરેશને ફરી શસ્ત્રો સજાવ્યાં છે. હાલ બાકીદારોને બીલની બજવણી કરવામાં આવી રહી છે. 50 હજાર કે તેથી વધુનો બાકી વેરો ધરાવતાં 10 હજારથી વધુ આસામીઓને સ્ટાફ દ્વારા રૂબરૂ ઘેર જઇને ડિમાન્ડ નોટિસ આપવામાં આવી રહી છે. હાલ કોર્પોરેશનના ચોંપડે 1100 કરોડનું બાકી લેણું બોેલે છે. જેમાં સૌથી વધુ બાકી વેરો સરકારી કચેરીઓ અને મોબાઇલ ટાવરની કંપની પાસે છે. આ ઉપરાંત પાણી વેરા પેટે પણ 100 કરોડ રૂપિયા બાકી બોલે છે.
આગામી 1 પખવાડીયું ડિમાન્ડ નોટિસ આપવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારબાદ જાન્યુઆરી માસથી બાકીદારો પર કોર્પોરેશન ધોંસ બોલાવશે. જેમાં બાકી વેરો વસૂલવા માટે નળ જોડાણ કાપવા, ડ્રેનેજ જોડાણ કાપવા, મિલકતને ટાંચમાં લેવા, જપ્તી નોટિસ ફટકારવા અને મિલકતની જાહેર હરાજી કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષથી ટેક્સ રિક્વરી સેલ શરૂ કરવામાં આવ્યો છે. જેના કારણે ટેક્સ પેટે ગત વર્ષે રેકોર્ડ બ્રેક આવક થવા પામી હતી. આ વર્ષે જૂનો રેકોર્ડ બ્રેક કરવા માટે તંત્રએ અત્યારથી જ શસ્ત્રો સજાવી લીધાં છે.