દંડનાં ખૌફે લાવી સેફટીની જાગૃતિ
જે દુકાનોમાં દરરોજનાં માત્ર એક કે બે હેલ્મેટ વહેંચાતા ત્યાં છેલ્લા એક અઠવાડિયાથી રોજેરોજ ૧૦૦થી વધુ હેલ્મેટ વહેચાવા લાગ્યા: માર્કેટમાં રૂા. ૨૦૦થી લઈને ૮ હજારના અવનવા હેલ્મેટ ઉપલબ્ધ
હાલ બાઈક કે સ્કુટર ચાલકે હેલ્મેટ ન પહેર્યું હોય તેને રૂા.૧૦૦નો દંડ ફટકારવામાં આવી રહ્યો હતો પરંતુ ટ્રાફિકનાં કાયદામાં ફેરફાર થઈને કડક કરવામાં આવનાર છે જેના કારણે દંડની ખૌફે સેફટીની જાગૃતિ આવી રહી છે. હાલ હેલ્મેટ ખરીદવા માટે દુકાનોમાં પડાપડીનાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેમાં પણ લોધાવાડ ચોકમાં ભારે ધસારો જોવા મળી રહયો છે. અગાઉ જે દુકાનોમાં દરરોજનાં માત્ર એક-બે હેલ્મેટ વહેચાતા હતા ત્યાં છેલ્લા એક અઠવાડીયાથી રોજે રોજ ૧૦૦થી વધુ હેલ્મેટ વહેચાવા લાગ્યા છે. આમ કડક કાયદાની બીકે લોકો હેલ્મેટ પહેરતા થયા હોવાનું દેખાય આવે છે.
બાઈક કે સ્કુટરનાં જે અકસ્માતોમાં વ્યકિતનું મૃત્યુ થતું હોય છે તેમાં મોટાભાગનાં કિસ્સાઓમાં વ્યકિતને માથાનાં ભાગે ઈજા થવાથી મૃત્યુ થાય છે ત્યારે મૃતકનાં પરીવારમાં માત્ર એક અફસોસ કરવાનો રહે છે કે તેનાં સ્વજને જો હેલ્મેટ પહેર્યું હોત તો તે દુનિયામાં હયાત હોત. આમ હેલ્મેટ ન પહેર્યું હોવાથી અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તેમ છતાં હેલ્મેટની જાગૃતિ હજુ સુધી આવી નથી પરંતુ છેલ્લા એક અઠવાડીયાથી ચિત્ર જાણે બદલાઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે. ટ્રાફિકનાં નિયમો બેફામ રીતે કોઈ જાતનાં ડર વગર લોકો તોડી રહ્યા છે. કોઈ સામાન્ય વ્યકિત સવારથી રાત સુધીમાં અનેક વખત ટ્રાફિક નિયમ જાણી-અજાણી રીતે તોડતો હોય છે પરંતુ સરકારે આ બાબતે ચિંતિત થઈને નિયમોમાં કડકાઈ લાવવાની પહેલ કરી છે. સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમોની અમલવારી શરૂ કરવામાં આવનાર છે જેના ડરથી અત્યારથી જ વાહન ચાલકો શાબ્દા બનીને સજજ થઈ રહ્યા જોવા મળે છે.
સ્કુટર કે બાઈક ચાલક આજ સુધી હેલ્મેટ વગર બીકે ડ્રાઈવ કરતા જોવા મળતા હતા પરંતુ હવે આ ચિત્ર થોડું બદલયું છે હાલ રોડ-રસ્તા ઉપર અનેક લોકો હેલ્મેટ પહેરેલા જોવા મળે છે. ઉપરાંત દંડનાં ખૌફથી હેલ્મેટની માર્કેટ પણ ગરમાઈ છે જે દુકાનોમાં દરરોજ માત્ર એક કે બે હેલ્મેટ વહેચાતા હતા તે દુકાનોમાં આજે હેલ્મેટ લેવા માટે પડાપડી કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ હાલ હેલ્મેટ વહેચતી તમામ દુકાનોમાં રોજરોજ ૧૦૦ થી વધુ હેલ્મેટ વહેંચી રહ્યા છે. શહેરમાં દરરોજ અંદાજીત ૪ થી ૫ હજાર હેલ્મેટનું વેચાણ થઈ રહ્યું છે. હાલ માર્કેટમાં રૂા.૨૦૦ થી લઈ ૮૦૦૦ સુધીનાં હેલ્મેટ બજારમાં મળી રહ્યા છે.
કડક કાયદાની અમલવારી શરૂ થવાની હિલચાલનાં પગલે સૌથી વધુ હેલ્મેટની માર્કેટ ગરમાઈ છે. જેના લીધે હેલ્મેટનાં ડિલરો પર મોટી માંગને પહોંચી વળવા માટે સજજ બન્યા છે જોકે સામાન્ય રીતે માંગ વધવાથી ભાવમાં પણ વધારો થતો હોય છે. તાજેતરમાં સુરતમાં જે આગની દુર્ઘટના ઘટી હતી તેનાં પગલે સેફટીનાં નિયમોનાં પાલનની ચકાસણી તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી જેથી સેફટીનાં સાધનોની ડિમાન્ડ વધી હતી જેનાં પગલે તેનાં ભાવમાં પણ વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો પરંતુ હેલ્મેટની માર્કેટમાં આવું થયું નથી. અગાઉ હેલ્મેટનાં જે ભાવ હતા તેજ ભાવ ભારે ડિમાન્ડ વચ્ચે પણ યથાવત રહ્યા છે.
હાલ લોધાવાડ ચોક સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ઓટો પાર્ટસના ધંધાર્થીઓ તેમજ સ્પેશિયલ હેલ્મેટનું વેચાણ કરતા ડીલરોને ત્યાં હેલ્મેટ મળી રહ્યા છે. આ તમામ દુકાનોમાં મોટી સંખ્યામાં લોકો છેલ્લા એક અઠવાડિયાથી હેલ્મેટની ખરીદી અર્થે ઉમટી રહ્યા છે.
માત્ર દંડથી બચવાના ઈરાદે લોકો રૂા.૨૦૦ વાળા કચકડાના હેલ્મેટ વધુ પસંદ કરે છે
પોતાની સેફટી માટે નહીં પરંતુ માત્ર દંડથી જ બચવાનાં ઈરાદે લોકો માર્કેટમાં મળતા રૂા.૨૦૦ વાળા હેલ્મેટ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે જે ખરેખર જાગૃતિનો અભાવ પણ કહી શકાય. દંડને બદલે વાહન ચાલકોએ પોતાની સેફટીને પ્રાધાન્ય આપવું જોઈએ પરંતુ હાલનાં તબકકે ઉંધુ જોવા મળી રહ્યું છે. સેફટીને એક બાજુ મુકીને માત્ર દંડનાં પૈસા ન ભરવા પડે તે માટે સસ્તા અને ગુણવતારહિત કચકડાના હેલ્મેટ ખરીદીને વાહન ચાલકો તેનો ઉપયોગ કરતા થયા છે. સામાન્ય રીતે મોટાભાગનાં દંડ ઈ-મેમોથી થકી આવતા હોય છે તેવામાં કચકડાનું હેલ્મેટ સ્કુટર કે બાઈક ચાલકને ઈ-મેમોથી બચાવી લેતું હોય છે પરંતુ આ કચકડાનું હેલ્મેટ સ્કુટર કે બાઈક ચાલકનાં જીવને અકસ્માતમાં બચાવી શકતું નથી.
સ્ટાન્ડર્ડ કવોલીટીનું હેલ્મેટ નહીં હોય તો પોલીસ દંડ ફટકારી શકે છે
સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ સ્કુટર કે બાઈક ચાલકે સ્ટાન્ડર્ડ કવોલીટીનું હેલ્મેટ પહેરવું જરૂરી છે. સામાન્ય રીતે વાહન ચાલકો કચકડાના સસ્તા હેલ્મેટો ખરીદતા જોવા મળી રહ્યા છે. આ કચકડાના હેલ્મેટ વાહન ચાલકોને ઈ-મેમોથી બચાવી લે છે પરંતુ પોલીસ ચેકિંગ વેળાએ આ હેલ્મેટ પહેરેલા વાહન ચાલકોને દંડ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈનમાં સ્ટાન્ડર્ડ કવોલીટીનું હેલમેટ પહેરવાનો ઉલ્લેખ પણ કર્યો છે.
આઈએસઆઈ માર્કાવાળા જ હેલ્મેટ પહેરવા જોઈએ: ટ્રાફિક એસીપી
રાજકોટ શહેરનાં ટ્રાફિક એસીપી બી.એ.ચાવડાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકોએ આઈએસઆઈ માર્કાવાળા જ હેલ્મેટ ખરીદવા જોઈએ. શહેરીજનોએ પોતાની સેફટીને ધ્યાને લઈને સસ્તા મળતા હેલ્મેટ ન ખરીદવા જોઈએ જો સસ્તા અને નબળા હેલ્મેટ પહેર્યા હોય તો તેનો કોઈ અર્થ રહેતો નથી. હેલ્મેટ દંડથી બચવા માટે નહીં પરંતુ પોતાની સેફટી માટે વાહન ચાલકો પહેરતા થાય તે જરૂરી છે.